પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ખતમ થતો જણાયો છે. (પ્રસ્તાવના : પૃ. ૧૦). એની પડખેનો પછીનો ભાગ કંઈક મોળો અને વિશૃંખલ લાગ્યો છે, પણ ખરેખર તો આ ભાગમાં જ અહિંસાના સાચા સ્વરૂપનું લેખકદીધું દર્શન પ્રગટ થાય છે. પોતાના પુત્રને કર્તવ્યની વેદી તરફ પ્રેરતી રાજમાતાનો ત્યાગ પન્ના કરતાં સહેજ પણ ઊતરે એવો નથી જ ! અલબત્ત, નાટકમાં પાત્રમુખે આગલાપાછલા બનાવોના વૃત્તાંત અપાતાં હોવાથી સંવાદમાં નાટ્યતત્ત્વ રહેતું નથી એ એની મર્યાદા ગણાવી શકાય.

ચાર પ્રવેશમાં વહેંચાયેલ ‘નરકેસરી’ મગધપતિ રાજા બિંબિસારના જીવનના છેલ્લા દિવસો નિરૂપતું નાટક છે. બિંબિસાર અને રાણી ચેલાનાં મુખ્ય પાત્રોવાળા આ નાટકમાં કથા એવી છે કે મગધની ગાદી પર ભગવાન મહાવીરને બુદ્ધનો પરમ ભક્ત રાજા શ્રેણિક બિંબિસાર રાજ કરે છે. મગધમાં રાજતંત્ર છે પણ મગધરાજનો પક્ષપાત ગણતંત્ર રાજવાળા વૈશાલી ઉપર વધારે છે. એનું કારણ એ ભગવાન મહાવીરની જન્મભૂમિ છે. વળી ત્યાંની સુપ્રસિદ્ધ નર્તકી આમ્રપાલી સાથે તેને પ્રેમસંબંધ છે. રાજા શ્રેણિકનો યુવાનપુત્ર અજાતશત્રુ કુણિક જે રાજ્યગાદીનો હક્કદાર છે એ માને છે કે કદાચ પિતા મગધમાંના રાજ્યતંત્રને વિખેરીને એને પણ ગણતંત્ર બનાવી દે તો ભવિષ્યમાં પોતે રાજા બની શકે નહીં. અને એટલે એ પિતાનો દુશ્મન બને છે. આખરે સેનાને વશ કરી વૃદ્ધ પિતાને કેદ કરે છે અને કેદમાં નરકેસરી રાજા પર અનહદ જુલમ ગુજારે છે. છતાં ક્ષમાભાવી રાજા તેને ક્ષમા કરી પુત્રને પિતૃહત્યાના પાપમાંથી બચાવવા હીરો ચૂસી આત્મહત્યા કરે છે. આ નાટકનું વસ્તુ જ લેખકે એવું પસંદ કર્યું છે કે નાટકમાં આરંભથી જ તંગ પરિસ્થિતિ રહે છે, અને લેખકે તેને વળ દઈ દઈને ઉત્તરોત્તર તીવ્ર બનાવી છે. દીકરાને પિતૃહત્યામાંથી ઉગારી લેવાના દ્વેષથી પ્રેરાઈને હીરો ચૂસી આત્મઘાત કરતાં નરકેસરીનાં નિરૂપણમાં ક્ષમાભાવને પરકોટિએ પહોંચાડ્યો છે. અજાતશત્રુ અને સેના વચ્ચેનો સંઘર્ષ બાહ્ય કોટિનો છે. બિંબિસારનું પિતૃવાત્સલ્ય સુપેરે આલેખાયું છે.

સાત દૃશ્યોમાં વહેંચાયેલું ‘ગીતગોવિંદનો ગાયક’ જયભિખ્ખુની