પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રકરણ ૫
જયભિખ્ખુનું ચરિત્રસાહિત્ય

નવલકથા, નાટક, ટૂંકી વાર્તા વગેરે સાહિત્યસ્વરૂપોની જેમ ચરિત્રસાહિત્ય પણ માનવજીવનનું અધ્યયન, નિરૂપણ કરતો સાહિત્યપ્રકાર હોવાં છતાં એ બધાથી જુદું એ રીતે પડે છે કે આ બધાં સાહિત્યસ્વરૂપોમાં માનવીનું જીવન પરોક્ષ રીતે એટલે કે કલ્પનાથી નિરૂપાય છે. જ્યારે જીવનચરિત્ર સાચાં, અમુક સ્થળકાળમાં જીવી ગયેલા ચોક્કસ માનવીઓની જીવનલીલા નિરૂપે છે.

જીવનચરિત્રમાં જે વ્યક્તિનું ઇતિવૃત્તિ હોય છે એ સામાન્ય વ્યક્તિ નહીં પણ કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ સ્થાન પામેલી વ્યક્તિ હોય એ જરૂરી છે. અને એટલે જ ડ્રાયડને કહ્યું છે કે જીવનચરિત્ર એ History of Particular man's lives (W. H. Dunnના English Biography પુસ્તકની પ્રસ્તાવના, પૃ. ૭) એમાં ચરિત્રનાયકની પ્રકૃતિ અને પ્રવૃત્તિનું યથાર્થ વૃત્તાંત નિરૂપાવું ઘટે. વળી તે ચરિત્ર વ્યક્તિનાં વાણી-વર્તન ઉપરાંત તેના મનોવ્યાપારોનો પણ યથાયોગ્ય પરિચય કરાવે. જીવનચરિત્રમાં ચરિત્રવિષયક વ્યક્તિના જન્મથી માંડીને મૃત્યુ સુધીની જીવનયાત્રાની સાચી છબી નિરૂપાતી હોવાથી સહજ રીતે જ એની સર્વ પ્રવૃત્તિઓની પશ્ચાદ્ભૂમિ સમાન તત્કાલીન સમાજ અને યુગનું ચિત્ર પણ ઉચિત માત્રમાં ઊપસે. જીવનચરિત્રમાં ચરિત્રકાર ચરિત્રનાયકના જીવન ધ્યેય અને જીવનકાર્યને દર્શાવે છે. આ દર્શાવતી વખતે જીવનકાર્યમાં પ્રાપ્ત થયેલી સફળતા-નિષ્ફળતાનું ઉચિત મૂલ્યાંકન પણ તે કરાવે છે. ઓક્સફર્ડ ડીક્શનેરી જીવનચરિતને ‘સાહિત્યની એક શાખા તરીકે વ્યક્તિના જીવનનો ઇતિહાસ’ કહે છે. (Shorter Oxford English Dictionary, પૃ. ૧૮૦, ૧૯૩૯ની આવૃત્તિ). ત્યાં જીવનચરિત્રમાં ‘ઇતિહાસ’ અને સાહિત્ય’ બંનેનું મહત્ત્વ સ્વીકારવામાં આવ્યું છે. જીવનકથા એ નર્યો શુષ્ક ઇતિહાસ કે માહિતીચોપડો બની જાય એ ન ચાલે, એણે રસાત્મક સાહિત્ય પણ બનવું પડે એ વાત એ વ્યાખ્યામાંથી પ્રતીત થાય છે.