પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૩૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

છે.’ Biography is a type of litereature which, more than any other, touches close on morality (Aspects of Biography, p. 121) કોઈ એક વ્યક્તિનાં જીવન, ચારિત્ર્ય અને સિદ્ધિઓ વિષે વાંચતાં જે વિશિષ્ટ ગુણોએ, જે સદ્ અંશોએ તે વ્યકિતને મહાન બનાવી, જે ગુણોને લીધે તેણે પોતાની મુશ્કેલીઓનો હિંમત અને ધૈર્યથી સામનો કર્યો અને તેમના પર વિજય મેળવ્યો એ સર્વ વાચક જાણે છે. વળી આ બધું અનુભવનિવેદન સત્યકથન હોવાથી અને ઉપદેશ કરતાં આચરણ માનવીના ઘડતરમાં વિશેષ પ્રભાવક નીવડતું હોવાથી ચરિત્રગ્રંથ કલ્પનાકથા કરતાં વધારે અસરકારક બને છે. ચરિત્રસાહિત્યના વાચનનો આવો કલ્યાણકારી પ્રભાવ હોવા છતાં એ નીતિશાસ્ત્ર કે ઉપદેશગ્રંથ ન બની જાય એનું પણ ચરિત્રકારે ધ્યાન રાખવું પડે. રસશાસ્ત્રના સીમાડામાં રહીને જ નીતિ અને ઉપદેશ વ્યક્ત કરતું જીવનચરિત્ર કલાકૃતિ બની શકે.

આપણે ત્યાં જીવનચરિત્રનું સ્વરૂપ પાશ્ચાત્ય સાહિત્યના સંપર્ક પછી પાંગર્યું હોવા છતાં પ્રાચીન કાળમાં અને મધ્યકાળમાં ચરિત્રસાહિત્ય હતું ખરું. છેક શ્રુતિકાળથી આરંભીને મધ્યકાળના અંતભાગ સુધી મળતા ચરિત્રસાહિત્યના ઇતિહાસના ઓછાવત્તા અંશો, કલ્પિત કથાનકો, દંતકથાઓ અને છૂટક વ્યક્તિના જીવનના મહત્ત્વના પ્રસંગોના આલેખનો મળે છે. એમાંના બહુ ઓછાં ચરિત્રોમાં સાચા ઇતિહાસનું કે કોઈ પણ લોકોત્તર વ્યક્તિના જીવનની સળંગ ઘટનાઓનું આલેખન થાય છે. આ ચરિત્રોમાં શુદ્ધ ચરિત્રલેખનની દૃષ્ટિએ ઝાઝો કસ જણાતો નથી.

ચરિત્રસાહિત્યમાં એક નવો જ અને અસરકારક મોડ આવ્યો છે. પશ્ચિમની સંસ્કૃતિના અને જીવનદૃષ્ટિના સંપર્ક પછી. ચરિત્રકારની નજર પોતાની આસપાસ જીવતા સફળ વ્યક્તિવિશેષો તરફ ગઈ અને અભિનવ ચરિત્રસાહિત્યનું સર્જન થવા માંડ્યું.

અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં નર્મદયુગથી જ ચરિત્રસાહિત્ય સર્જાવાની શરૂઆત થાય છે. દુર્ગારામ ‘માનવધર્મસભાનું દફતર’, નર્મદ ‘કવિચરિત્ર’ ‘મહાપુરુષોનાં ચરિત્ર’; મનઃસુખરામ ‘સુજ્ઞ ગોકુળજી ઝાલા