પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આ નીતિકથાઓને ક્યાંક હિંદુ, બૌદ્ધ, જૈન કે મુસ્લિમ શાસ્ત્રોનું પ્રમાણ છે. ‘મધુબિંદુ’માં રજૂ થયેલું રૂપક જયભિખ્ખુની ‘પ્રેમાવતાર’ નવલકથામાં તેમ જ અન્યત્ર વાર્તારૂપે પણ મળે છે. એટલે જયભિખ્ખુનું એ પ્રિય નીતિવિષયક તત્ત્વજ્ઞાન હશે એમ કહી શકાય. જીવનની અનેક વિટંબણાઓની વચ્ચે પણ નાનકડાં ભૌતિક સુખની લાલચવાળા જીવની દશાને એમાં વાર્તાકારે રૂપકાત્મક ઢબે રમતિયાળ ભાષાશૈલીમાં વર્ણવી છે. ‘સાચી પૂજામાં સાચી પૂજા સંપત્તિવાનની નહીં, શ્રમિકની છે એ કથનાત્મક ઢબે વર્ણવાયું છે. તો ‘અન્ન એવો ઓડકાર’માં નીતિવિષયક બોધની સાથે મહાભારતકાળનાં પકવાનો વિષે પણ સર્જક રમૂજી શૈલીમાં માહિતી આપે છે. દરેક વાર્તા હળવી રીતે પણ બોધાત્મક રૂપે આલેખાઈ છે. કેટલેક સ્થળે આ બોધ બોલકો પણ થઈ ગયો છે. સમગ્રતયા, આ વાર્તાઓની શૈલી પ્રવાહી, બાલભોગ્ય અને સુબોધ છે.

કહેવતો એ સંસારની સર્વ શાણી પ્રજાની અનુભવવાણી છે. જીવનના અનુભવોનો નિચોડ અને વ્યવહારુ સૂઝ-શાણપણનો સાર નાનકડી કહેવતમાંથી રજૂ થાય છે. તે માટે ડ નાની કહેવત ઊંચા બોધની દાયક બને છે. જયભિખ્ખુ ‘બાર હાથનું ચીભડું’ ભા. ૧, ૨ અને ‘તેર હાથનું બી’ ભા. ૧, રમાં બાળકો અને કિશોરોને ઉપયોગી નીવડે એવી કહેવતકથાઓ આપે છે. એમાં ‘ભોઈની પટલાઈ’ ‘ચોથ મારવી’ ‘કાશીનાં કરવત’ ‘લાલો લાભે લોટે’ ‘અગમ બુદ્ધિ વાણિયો’ ‘રાઈના ભાવ રાતે થયા’ ‘ચઢ બેટા શૂળી પર’ ‘ટાઢા પાણીએ ખસ ગઈ’ ‘મીઠા ઝાડનાં મૂળ કાઢવાં’ જેવી પ્રચલિત કહેવતોને ટૂંકી કથાઓ દ્વારા સર્જકે સમજાવી છે. ચાર ભાગમાં કુલ ૪૧ કહેવતોને સમજાવવા ૪૧ ટચુકડી કથાઓ તેઓ આપે છે. મોટે ભાગે વર્તમાનપત્રોમાં રાજકીય કટાક્ષો કે પ્રસંગકથાઓ તરીકે પ્રગટ થયેલી આ વાર્તાઓની રજૂઆત સરસ અને ચોટદાર છે. સાદી અને સરળ ભાષામાં રજૂ થએલી આ કહેવતકથાઓ કિશોરોની ભાષાશક્તિ ખીલવવામાં ખૂબ ઉપયોગી થઈ પડે છે.

ત્યાગી, તપસ્વી અને નિઃસ્વાર્થી એવા બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ ધર્મના અગ્રેસરોને જીવનમાં પ્રેમ, સત્ય, સદાચાર અને વિવેકનું મૂલ્ય સમજાવવું,