પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સૌ પ્રથમ તો જયભિખ્ખુની શૈલીનો પ્રમુખ ગુણ જોઈએ તો તેઓ લેખન પરત્વે માંગલ્યદર્શી પ્રશિષ્ટ સર્જક હોવા છતાં શૈલી પરત્વે રંગદર્શી રહ્યા છે. અત્યંત સામાન્ય કથયિતવ્ય હોય તો પણ એમાંથી કશું નવું - વિશેષ અણધાર્યું સાધવાનો તેઓને અનોખો આનંદ હોય છે. રંગદર્શિતાનો મુદ્દો હાથમાં લીધો છે તો સૌ પ્રથમ ‘શત્રુ અજાતશત્રુ’ ભા. ૧ નવલકથામાંથી આમ્રપાલીના પાત્ર અંગેનું કથનવર્ણન જોઈએ. ‘આમ્રપાલી વિશ્વની યોવનશ્રી લેખાતી. એનું શરદની ચાંદની જેવું રૂપ, પુષ્પની કુમાશને ભુલાવે એવો સ્પર્શ ને મનને કામણ કરે એવો કંઠ લોકવિખ્યાત હતાં. વૃદ્ધો પણ એના અનિંદ્ય સૌંદર્યને એક નજરે નીરખી રહેતા ને ઘેલા ઘેલા થઈ જતા.... આ સોંદર્યફૂલ કોને વરશે ?’ (પૃ. ૧૯૧)

માત્ર નિદર્શનના હેતુથી આ પાત્રના કથાવર્ણનનો આ એક નાનકડો ખંડ આપણે અભ્યાસ માટે લીધો છે. સૌ પ્રથમ તો લેખકે ‘વિશ્વની યૌવનશ્રી’ જેવો પ્રયોગ દ્વારા યૌવનનો, એની સમૃદ્ધિના વિશિષ્ટ અર્થઘટનોનો તથા વૈશ્વિક ચેતના સાથેની એની સૂક્ષ્મ સંલગ્નતાનો સંદર્ભ રચી આપ્યો છે. એ રીતે આરંભથી જ સ્થૂળ શારીરિક સૌંદર્ય સાથે પાત્રના આંતરવૈભવના તાણાવાણા આપોઆપ ગુંથાઈ જાય છે. એ પછી શરદની ચાંદની અને પુષ્પની કુમાશનો ચોખ્ખો સંદર્ભ ભારતીય નારીસૌંદર્ય સાથે સંકળાયો છે. સંસ્કૃત કાવ્યસાહિત્યનો પ્રભાવ પણ એમાં સ્પષ્ટ દેખાયો છે. વૃદ્ધો એને તાકી રહે અને ઘેલા ઘેલા થઈ જાય, એ મુદ્દો બહુ મહત્ત્વનો નથી. પણ એ સૌંદર્યની આગળ ‘અનિંદ્ય’ વિશેષમ મૂકવાથી સમગ્ર પરિસ્થિતિમાં વિશેષ પ્રકારની કલંકરહિતાનું મહત્ત્વ ઉપર તરતું રહે છે. થોડા જ સમય પછી ‘આવતી કાલે ભગવાન બુદ્ધ ભિક્ષુસંઘ સાથે મારે ત્યાં ભોજન લેશે’ (પૃ. ૧૬૨, ભા. ૧) એમ કહેતી આમ્રપાલી ‘આત્માની દૃષ્ટિએ તમે અને હું સમાન છીએ.’ (પૃ. ૧૬૨, ભા. ૧) એમ સમજાવે છે ત્યારે ઉપર તરતા રહેતા કલંકરહિતતાના મહત્ત્વનું મૂલ્ય સહૃદયો સમજે છે. એ પછી ‘આ સૌંદર્ય ફૂલ કોને વરશે ?’- એમ લખાયું છે ત્યારે તરત જ દુષ્યંતના શબ્દોના સંસ્કારનું સ્મરણ જાગે છે. દુષ્યંતે શકુંતલાને સૌંદર્ય વર્ણન કર્યા બાદ કહ્યું હતું: ‘કોણ જાણે આનું નિર્માણ વિધિએ કોના માટે કર્યું હશે ?’ અહીં સંદર્ભ