પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

પ્રકરણ ૯

ઉપસંહાર - પ્રભાવ અને પ્રતિભાવ

‘પ્રત્યેક સર્જક એના જમાનાનું સંતાન હોય છે.’ ‘પ્રત્યેક સર્જક એના સર્જનનો પહેલો સાક્ષી હોય છે.’, ‘પ્રત્યેક સર્જક પોતાના જમાનાની સાથે સાથે પરંપરાગત લાક્ષણિકતાઓ કોઈને કોઈ રીતે-પ્રકારે જાળવતો હોય છે.’, ‘કોઈ પણ સર્જક પોતાની પરંપરાના અને સાંપ્રત સમાજના સંદર્ભોથી મુક્ત થઈ શકે નહિ’- એવા પ્રકારના અનેક અવતરણો આપણે વાંચીએ છીએ - વિચારીએ છીએ. ક્યાંક ચર્ચાને અવકાશ પણ ઊભો રહે છે, કારણ કે સર્જન, ઘણીવાર તેના સર્જકને જ ગાંઠતું નથી – એવું પણ આપણે ચુનીલાલ મડિયા જેવા એક ગણનાપાત્ર પ્રતિષ્ઠિત સર્જક પાસેથી સાંભળ્યું છે.

ઉપરના તમામ અવતરણોના સારરૂપ સંદર્ભ આપણે જયભિખ્ખુના સાહિત્યસર્જનમાંથી પ્રાપ્ત કરી શકીએ છીએ. દરેક યુગના સમાજને અને રાષ્ટ્રજીવનને - એની આવતીકાલની અપેક્ષાએ કંઈ ને કંઈ વિચારવાનું કે આચરવાનું રહેતું હોય છે. અંગ્રેજ શાસન દરમ્યાન વ્યાપેલી માનસિક ગુલામીનો અંદાજ ના આવી શકે, એવી કરુણ સ્થિતિ હતી. બીજી તરફ ગાંધીજીની અહાલેક ભારતને અને આપણા સંદર્ભમાં ગુજરાતને નવા દર્શન તરફ પ્રેરી રહી હતી. ગાંધીજીનું વર્ચસ્વ જામતું જતું હતું અને સમાજના વિવિધ ક્ષેત્રોની જેમ સાહિત્યજગત પર એનો પ્રભાવ ચોખ્ખો દેખાતો હતો.

જયભિખ્ખુએ બાલ્યકાળથી જ, એટલે કે પિતા અને સમાજ તરફથી કુટુંબવાત્સલ્ય, ધર્મપ્રીતિ તથા જૈનધર્મના સંસ્કાર સુપેરે પ્રાપ્ત થયા હતા એ આપણે આરંભે જોઈ-તપાસી ગયા છીએ. તેમણે પરંપરાથી મેળવાતું માધ્યમિક અને કૉલેજશિક્ષણ લીધું નથી. અંગ્રેજી ત્રણ ધોરણ સુધીના અભ્યાસ પછી વિજયધર્મસૂરિએ મુંબઈમાં સ્થાપેલ વીરતત્વ પ્રકાશક મંડળમાં તેઓ સંસ્કાર-શિક્ષણાર્થે દાખલ થયા. મુંબઈની આ સંસ્થાએ જ્યાં જ્યાં સ્થળાંતર કર્યું ત્યાં ત્યાં - કાશી, આગ્રા અને શિવપુરીમાં નવ વર્ષ સુધી રહી તેમણે સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનો અભ્યાસ