પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

જણાઈ છે તે રસને પૂર્ણ મર્યાદામાં રહીને ન્યૂનાધિક માત્રા ન થાય એ ધ્યાનમાં રાખીને એમણે પોતાની નવલોમાં સંયોજ્યો છે. શૃંગાર, કરુણ, અદ્ભુત અને શાંતિરસ એમની ઐતિહાસિક નવલોમાં યથાવકાશ ઉચિત માત્રામાં એમણે નિરૂપ્યો છે. એમની નવલોમાં શૃંગારના સંયોગ અને વિપ્રલંભ બંને પાસાંનુ રસિક નિરૂપણ મળે છે. પણ આ નિરૂપણ ક્યાંય સંયમની પાળ ઓળંગતું નથી. સર્જકની નવલોમાંનો શૃંગાર અંતે ઉપશમના શાંત રસમાં જઈને ઠરે છે. ધાર્મિક કથાવસ્તુને વિષય તરીકે પસંદ કરીને ઉદાત્ત જીવનમાંગલ્યને પોતાની નવલો દ્વારા સમાજચરણે ધરવા ઇચ્છતા લેખકમાં એ સ્વાભાવિક પણ છે. રસનિરૂપણમાં જયભિખ્ખુને જેટલું શૃંગારનું નિરૂપણ ફાવ્યું છે એટલો વીરરસ નિરૂપવો ફાવ્યો નથી. યુદ્ધવર્ણન તેઓ કરે છે ખરા, પણ એમાં ભયાનકતા ઉપસાવી શક્યા નથી (એ કદાચ, સહેતુક હશે). અલબત્ત, યુદ્ધનાં દુષ્પરિણામો તેઓ જરૂર બતાવે છે.

ઐતિહાસિક નવલોમાં જયભિખ્ખુએ જે તે યુગનું વાતાવરણ ઝીણવટભરી અભ્યાસપૂર્ણ વિગતો આપી સજીવ-તાદૃશ્ય બનાવ્યું છે. ઐતિહાસિક નવલોમાં એમાંનું વિવિધ વિષયોનું શાસ્ત્રજ્ઞાન પણ ધ્યાનાકર્ષક બને છે. ઐતિહાસિક નવલોમાં ક્યાંક ચમત્કારના તત્ત્વને એમણે ઉપસાવ્યું છે. એ રીતે જીવનમાંગલ્યવાદી સર્જકની નવલો ચિંતનના રસે પણ રસાઈ છે. આ ચિંતનનું તત્ત્વ મોટે ભાગે કલાત્મક રૂપે આવ્યું છે એ ખાસ નોંધવું રહ્યું. એમની નવલોમાં રાજકારણ વિષેની, ધર્મ વિષેની અમુક ચોક્કસ વિચારધારા ચિંતન બનીને આવી છે. ધર્મનો રાજકારણ દ્વારા થતો દુરુપયોગ એમને સતત કઠ્યો છે. એનો આક્રોશ ‘કામવિજેતા’ કે ‘વિક્રમાદિત્ય હેમુ’ જેવી નવલોમાં એમણે સફળ રીતે વ્યક્ત કર્યો છે. એ જ રીતે યુદ્ધ તરફનો અણગમો પણ વ્યથાની કથારૂપે જ પ્રગટ્યો છે.

સર્જકની ઐતિહાસિક નવલોમાં પૌરાણિક સંદર્ભના અર્વાચીન અર્થઘટનો બુદ્ધિજન્ય ચમત્કૃતિનો અનુભવ કરાવે છે. તો રાષ્ટ્રીય અસ્મિતાનું એમાં થયેલું નિરૂપણ કૃતિને અનોખું ગૌરવ બક્ષે છે. જયભિખ્ખુની નવલોમાં નારીગૌરવ પણ ઉજમાળો અંશ બનીને ડોકાય છે. લેખકે પોતાની લોખંડી ખાખનાં ફૂલ જેવી નવલોમાં ક્યાંક મલિન ચિત્ર ઉપસાવ્યા છે, એમની આવી