પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉપસંહાર - પ્રભાવ અને પ્રતિભાવ
૫૦૫
 


ભાગની વાર્તાઓ સામાજિક જીવનના વિવિધ પાસાઓને વાચા આપે છે. એમાં ય નારીજીવનની જુદી જુદી સમસ્યાઓને વર્ણવતી વાર્તાઓનું પ્રમાણ સૌથી વધારે છે. વાર્તાકારની નારીલક્ષી વાર્તાઓમાંની એક વાત સતત ફોર્યા કરે છે અને તે હિંદુ સમાજમાં સ્ત્રીનું સ્થાન જૈસે થે જેવું છે. દેશે અનેક પ્રકારનો રાજકીય, આર્થિક વિકાસ સાધ્યો હોવા છતાં સમાજમાં સ્ત્રી માટે ભાગે વેદનામૂર્તિ જ રહી છે, ભોગની સામગ્રી જ બની છે. આજે સ્ત્રીએ શિક્ષણ મેળવ્યું છે પણ શિક્ષણમાંથી જન્મતી અસ્મિતા એનામાં પાંગરી નથી. અને એટલે જ જૂની કે નવી નારી વચ્ચે તાત્ત્વિક રીતે કોઈને કોઈ તફાવત જણાતો નથી. પુરાણયુગમાં નારી વેદનામૂર્તિ હતી. જ્યારે અર્વાચીનકાળે વિલાસમૂર્તિ. પોતાની નારીજીવનની વાર્તાઓમાં વાર્તાકાર એ સૂચવે છે કે પરિસ્થિતિને પરવશ પડેલી સ્ત્રીને સારી કે ખરાબ કહેવી ઉચિત નથી, કારણ કે સ્ત્રીના સત્ત્વને ખીલવે એવું વાતાવરણ જ હજી આપણે ત્યાં ઘડાયું નથી. જયભિખ્ખુના મતે સ્ત્રી પર જ સંસારના સર્જન અને વિનાશનો આધાર છે માટે સંસારને સ્વર્ગ બનાવવા ઈચ્છનારે સ્ત્રીને સ્વસ્થ, સંયમી અને વ્યક્તિત્વવાળી બનાવવી જોઈએ. નારીલક્ષી વાર્તાઓમાં વાર્તાકારે આથી જ નારીનાં કોઈ ને કોઈ પ્રકારના ખમીરનો પરિચય કરાવ્યો છે.

પોતાની પ્રસ્તુત વાર્તાસૃષ્ટિમાં આદિકાળથી તે આજ સુધીનાં નારીજીવનનાં વિવિધ પાસાંઓની ઝાંખી કરાવી સ્ત્રીની હૃદયસૃષ્ટિને એમણે મમતાથી સજાવી છે. સ્ત્રીનાં સૂઝ અને શીલને વખાણ્યાં છે. અને સાથે સાથે સમાજની એકતરફી અળખામણી રીતરસમોને સહન કર્યા વગર સ્ત્રીનો કોઈ આરો નથી એ પુરાણયુગીન માપદંડોને પડકાર્યા પણ છે. તેઓ સમાજને માટે ચેપી રોગ જેવા એ માપદંડોને નાબૂદ કરવા પ્રેરણા પૂરી પાડે છે.

સામાજિક વાર્તાઓથી સંખ્યાદૃષ્ટિએ બીજા નંબરે આવે છે જયભિખ્ખુની ઐતિહાસિક-પૌરાણિક વાર્તાઓ. ઇતિહાસવિષયક વાર્તાઓમાંનો ઇતિહાસ ક્યાંક પ્રાચીન, મધ્યકાલીન કે સમકાલીન છે. નવલકથાની જેમ વાર્તાઓમાં પણ ઇતિહાસને તેઓ ઠીક ઠીક વફાદાર રહ્યા છે. વર્તમાન માટે કાંઈને કાંઈ વિશિષ્ટ દર્શન આપતી જયભિખ્ખુની ઐતિહાસિક-પૌરાણિક વાર્તાઓ જયભિખ્ખુનાં ઇતિહાસજ્ઞાન, વતનપ્રીતિ અને વાર્તાકલાને સામટાં પ્રગટ કરે છે.