પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦૬
જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્મય
 


જયભિખ્ખુની સમકાલીન ઇતિહાસને વર્ણવતી વાર્તાઓમાં વાર્તાકારનો રાષ્ટ્રપ્રેમ છલકે છે. આવી વાર્તાઓની રચના સંસ્કૃતિહત્યાના પ્રત્યક્ષ-પરોક્ષ નિમિત્તોને ટાળવાના હેતુથી થઈ છે. માદરેવતન ઉપર મહોબ્બત જાગે, એના માટે અભિમાનથી માથું ઉન્નત બને એવા ઉદ્દેશથી આ વાર્તાઓ રચાઈ છે. જયભિખ્ખુની પૌરાણિક વાર્તાઓમાંની ઘણી એમાંથી સિદ્ધ થતા અને સમકાલીન સમાજને સ્પર્શતા નવીન અર્થઘટનોને કારણે ઉલ્લેખનીય બની રહે છે.

નારીજીવનની વાર્તાઓની જેમ જયભિખ્ખુની જૈન ધર્મના કથાનકોવાળી વાર્તાઓ પણ નોંધનીય છે. આવી વાર્તાઓમાં સર્જકે જૈન ધર્મગ્રંથોમાંના કથાના મૂળ આત્માને અક્ષુણ્ણ રાખ્યો છે. આ વાર્તાઓ દ્વારા જૈન કથાસાહિત્યનો જે અખૂટ ભંડાર છૂપા ખજાનાની જેમ અજાણ પડ્યો હતો એમાંથી કથા રત્નોને વીણી વીણીને બહાર કાઢવાની તેમણે પહેલ કરી છે. આ પછી જ સમગ્ર સાહિત્યજગતનું ધ્યાન જૈન વાર્તાસાહિત્ય તરફ ખેંચાયું અને સહુ કોઈને આ સાહિત્ય તરફ અભિરુચિ જાગી.

નવલકથાઓની જેમ જૈન કથાવસ્તુવાળી આ વાર્તાઓમાં પણ જયભિખ્ખુએ સાંપ્રદાયિકતાના તત્ત્વને અળગું રાખીને કથાના મૂળ આત્માને મધુર-ગૌરવાન્વિત ભાષા, ઉન્નત કલ્પના, ભાવનાનું સૌષ્ઠવ અને અલંકારથી મઢીને જીવંત રૂપ આપ્યું છે. આ વાર્તાઓનો અંતિમ સૂર પ્રેમનો છે. ધર્મનો એમાં વિશિષ્ટ અર્થ છે. ધર્મ એટલે જીવનને-ચેતનાને ધારણ કરી રહેલા આત્માનો ધર્મ અને એનું શ્રેષ્ઠ પ્રતીક છે પ્રેમ.

જર્મન સર્જક દોસ્તોવસ્કી (‘બંડખોરમાં’), ઊર્દૂના મહાન કવિ મીર (‘કવિનો મિજાજ’માં), શ્રી ર. વ. દેસાઈ (‘સાહિત્યકારની ખાલી ઝોળી’)માં સ્ટીફન ઝિવગ (‘ઝેર તો પીધાં છે જાણી જાણી’માં), બાણ ભટ્ટ (‘અજ્ઞાત્ દેવનું મંદિર’માં) જેવા સાહિત્યકારો પણ વાર્તાકારના આલેખ્યવિષયક બન્યાં છે. જયભિખ્ખુની આ વાર્તાસૃષ્ટિમાં રૂપકાત્મક પ્રકારની, ગદ્યદેહ ઊર્મિકાવ્ય જેવી, જીવનચરિત્રાત્મક રૂપની વાર્તાઓ પણ મળે છે, તો વાર્તામાં વસ્તુ ન જેવું હોય છતાં વાર્તાકારે પોતાની કહેણીના બળે વાર્તાને આકર્ષક બનાવી હોય એવું પણ ક્યાંક જયભિખ્ખુની વાર્તાસૃષ્ટિમાં બન્યું છે. પાળિયાઓ,