પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨
જયભિખ્ખુ : વ્યક્તિત્વ અને વાઙ્‌મય
 


ટૂંકમાં ઐતિહાસિક નવલકથાકાર ઇતિહાસની સન્નિકટ હોય છે. ઐતિહાસિક ઘટનાઓનું એને બંધન હોવા છતાં એની રચનાનું અંતિમ લક્ષ્ય કલાતત્ત્વ છે. ભૂતકાળ ઐતિહાસિક નવલકથામાં પુનર્જિવિત થાય છે પણ તે પુનર્નિર્મિત થઈને, અને આ પુનનિર્માણમાં ઐતિહાસિક નવલકથાની કલાપ્રક્રિયાનો ફાળો જ મોટો છે.

પૌરાણિક નવલકથા એના કથા વસ્તુની પસંદગીની બાબતમાં મુખ્યત્વે ઐતિહાસિક નવલથી જુદી પડે છે. પુરાણખ્યાત વસ્તુ સ્વીકારી લેખક એવી કૃતિનું નિર્માણ કરતો હોય છે. પુરાણના વિશ્વમાં લોકોત્તર પાત્ર કે ઘટના સ્વીકાર્ય બને છે. અલબત્ત, ત્યાં એ એટલા માટે સ્વીકાર્ય બને છે કે પુરાણકથાનું વિશ્વ લોકોત્તર રહસ્ય પર મંડાયેલું છે. પુરાણના આવા વસ્તુને લઈને રજૂ થતી નવલકથાને નવલકથાના કેટલાક નિયમો જાળવવા પડે છે. પુરાણકાલીન કથાવસ્તુવાળી નવલમાં લોકોત્તર પ્રસંગ કે ચમત્કારિક બનાવ ન જ આવી શકે એવું નહિ અને એને રહસ્યપૂર્ણ સંદર્ભ મળ્યો છે કે નહિ એ ચકાસવું જરૂરી બને. બીજી રીતે કહીએ તો, નવલકથામાં બનતા બનાવોપાછળ રહેલા કલાત્મક આશય અને એનાં આંતરિક તર્કસૂત્રનો આ પ્રશ્ન છે. કોઈ નવલકથાની રચના પુરાણકથાના અમુકઅંશો લઈને થઈ હોય, તો ત્યાં આ જાતના લોકોત્તર પ્રસંગને સહજ અવકાશ મળી શકે. બાકી ઐતિહાસિક-પૌરાણિક નવલકથાના પાયાગત નીતિનિયમો લગભગ સરખા છે.

શ્રી જયભિખ્ખુની ઐતિહાસિક-પૌરાણિક નવલકથાઓને સમજવા ઐતિહાસિક નવલકથાની આ વિભાવના ઇષત્ ભૂમિકા બને છે. એને લક્ષ્યમાં રાખીને હવે આપણે જયભિખ્ખુની નવલોનો સવિસ્તર પરિચય મેળવીશું.

ભાગ્યવિધાતા :

‘ભાગ્યવિધાતા’ અકબરના બાલ્યકાળની જ્વલંત શૂરવીરતા ને એના બહાદુર સરદાર ખાનખાના બહેરામખાના અભૂતપૂર્વ પરાક્રમને વર્ણવતી મોગલ સમયની લેખકને હાથે લખાયેલી પહેલી નવલકથા છે. ઇતિહાસના ઘણાબધા પ્રસંગોને એકસાથે ઉભડકપણે આલેખતી આ નવલકથાને આધારે જ જયભિખ્ખુએ પાછળથી ‘વિક્રમાદિત્ય હેમુ’, ‘ભાગ્યનિર્વાણ’ અને ‘દિલ્હીશ્વર’ ત્રણ નવલકથાઓ રચી છે. પ્રસંગોનું સંમાર્જિત સ્વરૂપ જે આ