પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬
જયભિખ્ખુ : વ્યક્તિત્ત્વ અને વાઙમય
 

કારણે સ્થૂલિભદ્ર વગેરે પાત્રોની રજૂઆત વધારે પડતી કલાત્મક બની શકી છે. આ જ કારણે પંડિત સુખલાલજીએ પણ કહ્યું છે કે લેખકની દૃષ્ટિ 'પંથમુક્ત' છે.

ઐતિહાસિક વાતાવરણને ઉપસાવવામાં નવલકથાનાં વર્ણનોએ પણ યશોચિત ફાળો આપ્યો છે. રૂપ, શણગાર, સ્થળ, પ્રકૃતિ અને પાત્રનાં માનસનાં વર્ણનો લેખકની સૂક્ષ્મતા, વિગતસભરતા અને ઐચિત્યનું દર્શન કરાવે છે. સ્થળ-વર્ણનોમાં પાટલીપુત્ર (પૃ. ૧-૨), તક્ષશિલા (પૃ. ૪૯)નું વર્ણન અને ધનનંદની વિજયસવારીનું વર્ણન (પૃ. ૬૮-૬૯) લેખકે વિગતસભર રીતે કર્યું છે. માનવીની વાસનાઓ જ્યાં મત્ત બનીને નિર્મુક્ત થઈ બહાર રમવા ચાલી આવે એવું સૌંદર્યસભર અને વિલાસખચિત વર્ણન કોશાના ભવનનું લેખકે કર્યું છે. રૂપવર્ણનોમાં કોશાના શણગારનું વર્ણન (પૃ. ૭૭, ૨૪૯) લેખકની સૌંદર્યસભર દૃષ્ટિનું દ્યોતક છે. સોળ શણગારના વર્ણનમાં લેખકનું શાસ્ત્રજ્ઞાન પણ પ્રતીત થયા વિના રહેતું નથી. પ્રકૃતિવર્ણનમાં કાવ્યત્વની છાંટ પણ ભળી હોય એવાં વર્ણનો ક્યાંક ક્યાંક નવલકથાની રંગપૂરણીમાં આગવી ભાત પાડતાં મળે છે. (પૃ. ૧૭૮ અને પૃ. ૧૮૨). પાત્રોનો મનોસંઘર્ષ પણ વર્ણનાત્મક ઢબે લેખકે અનેક સ્થળે નિરૂપ્યો છે. જેમાં સ્થૂલિભદ્રના આંતરસંઘર્ષને નિરૂપતું વર્ણન નોંધનીય છે. જેમકે કાયર પુરુષ ! તારું મૃત્યુ તારી શોભા બનવાને બદલે તારું કલંક બનશે. જગતનો એકે ય બાળ તારા જેવું સંતાન નહીં વાંછે. જગતના એકેય માતા-પિતા તારા જેવું જ્ઞાન દીકરાને નહિ આપે. તારા અવતારથી તેં એક ખોટો બોધપાઠ ઊભો કર્યો. તે તારા જેવા હજારો યુવાનોના સ્વતંત્ર માર્ગને રૂંધી નાખ્યો. અને ઓ ભણેલા મૂર્ખ ! આત્મહત્યા માત્રથી તારાં પાપ ધોવાઈ જશે એમ તું માને છે ? તારી વિદ્યાને તો યાદ કર ! આ ભવ કે આવતે ભવે, આ અવતારે કે બીજા અવતારે, તારા સંચિત કર્મ તારી આસપાસ નાચ્યાં જ કરશે. બધું છોડી શકીશું, કરેલાં કર્મને શી રીતે છોડીશ ? એ તારા કૃત્યકૃત્યાઓ જ્યાં જઈશ ત્યાં જંપ વાળીને તને બેસવા નહીં દે ! કર્મને પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં પ્રજાળી નાખ ! તારી જીવનગાંઠડીનો બોજ પ્રેમ અને ત્યાગથી હળવો કર ! એમાં જ તારું શ્રેય છે.' (પૃ. ૨૫૬) ક્યારેક લેખક વાચકો પર પ્રભાવ નાખવા માટે વર્ણનને ખૂબ તીવ્રતા પણ પ્રદાન કરે છે. આને લેખકની મર્યાદા જ ગણવી રહી.