પૃષ્ઠ:Jayabhikkhu, vyaktitva ane vāṇmaya.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નવલકથા : વૈવિધ્ય અને વૈશિષ્ટ્ય
૪૭
 

નવલકથામાં રજૂ થયેલા સંવાદો ટૂંકા, સચોટ, ચેતનવંતા અને વ્યક્તિત્વના રંગો સુરેખ દર્શાવે તેવાં છે. નવલકથા ઘણે ભાગે સંવાદરૂપે જ વહે છે. એમાંના કેટલાક સંવાદ ટૂંકા છતાં સચોટ અને અર્થસભર છે. જેમકે સ્થૂલિભદ્ર-કોશા વચ્ચેના પરસ્પર પ્રેમ કે સંઘર્ષ નિરૂપતા સંવાદ (પૃ. ૭૮૭૯), સ્થૂલિભદ્રના ચિત્તને સતત પોતાની તરફ આકર્ષવા મથતી કોશાના સંવાદ (પૃ. ૮૦), લાંબા અને ઉપદેશાત્મક સંવાદ પણ જયભિખ્ખુ યોજી શકે છે. મહામંત્રી શકટાલ-યક્ષા વચ્ચેના સંવાદ (પૃ. ૧૩૦થી ૧૩૩) એનું નોંધપાત્ર દૃષ્ટાંત છે. એ જ રીતે લાંબા છતાં લાગણીભર્યા પ્રવાહી સંવાદ કોશા-યક્ષા વચ્ચે યોજાયા છે. શકટાલ-યક્ષાના ચિંતનરસ્યા, ટૂંકા અને જીવનના મર્મને સમજાવતા તથા શકટાલ-શ્રીયકના વ્યક્તિત્વને પ્રગટ કરતા સંવાદ (પૃ. ૨૩૨-૨૩૩) અને શકટાલનો મગધપ્રેમ જેમાંથી ભાવોદ્રેક બનીને ઊભરતો હોય તેવો સંવાદ (પૃ. ૨૩૪) નોંધનીય છે. નવલકથાના આ સંવાદો જેમ ટૂંકા, સચોટ, ચિત્રાત્મક અને માર્મિક છે તેમ પરિસ્થિતિ અને પાત્રના બૌદ્ધિક વિકાસને અનુરૂપ પણ છે. કોશા એ સામાન્ય ગણિકા નહીં પણ સંસ્કારદત્ત સર્વકલાકુશળ સ્ત્રી છે. એ દર્શાવતા સંવાદ (પૃ. ૧૬ અને ૬૫, ૭૭) તેમ જ કોશા-મહાઅમાત્ય વચ્ચેનો તેજતણખા વેરતો સંવાદ જેમાંથી એકનું સુકોમળ અને છતાં મક્કમ તથા બીજાનું અગ્નિ જેવું તેજેભર્યું વ્યક્તિત્વ પ્રગટ થાય છે. એ સંવાદ (પૃ. ૯૧) જયભિખ્ખુની સંવાદકલાના ઉત્તમ નમૂના છે. કોશાને સંસારસાગરના કીચડમાંથી ઉગારી શાંતિના પરમ ધર્મ તરફ વાળતા સ્થૂલિભદ્રના સંવાદ પણ અવિસ્મરણીય છે. સંવાદોની એક વિશેષતા એ છે કે એક જ ભાષાની અંદર બધાં પાત્રો બોલે છે, છતાં એમના બૌદ્ધિક વિકાસને અનુરૂપ જુદી જુદી શ્રેણીઓ તેઓ યોજી શક્યા છે. એક વેળાનો પતીત યુવાન સ્થૂલિભદ્ર સર્પની કાંચળીની જેમ બધું ફગાવી કામવિજેતા બને છે, મુનિઓમાં મહાન બને છે. આ બધા વખતે સંવાદમાં ભાષા બદલાતી નથી અને છતાં બૌદ્ધિક વિકાસને અનુરૂપ જ એનું નિરૂપણ છે. કથાને વિકસાવવામાં અને પાત્રોના વ્યક્તિત્વને પ્રગટાવવામાં મહત્ત્વનો ફાળો આપતા સંવાદોનું નિરૂપણ નવલકથાને નાટ્યાત્મક બનાવીને વધુ આકર્ષક બનાવે છે.

ઇતિહાસના વાતાવરણને નિરૂપતી આ નવલકથાના નાટ્યાત્મક