પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૯૨]


આટલું કહીને સ્વામીજીએ તો લટાર મારવાનું ચાલુ જ રાખ્યું, પછી જ્યારે પેલા ગોરા એન્જીનિયરને સ્વામીજીના નામની ખબર પડી, ત્યારે તો એણે તત્કાળ સ્વામીજીની પાસે આવીને વિનયથી વંદન કરી ભાવભર્યા શબ્દો ઉચ્ચાર્યા કે આપશ્રીનાં દર્શનની ઘણા કાળની ઉમેદ આજે તૃપ્ત થઈ.'

આગ્રામાં ખ્રીસ્તી ધર્મના બિશપની સાથે સ્વામીજીને ચર્ચાના પ્રસંગો પડેલા હતા. ઉદાર દિલના મહર્ષિજી એક વખત ખ્રીસ્તીનું દેવળ જોવા ગયા. અંદર દાખલ થાય છે ત્યાં દરવાજે ઉભેલા ખ્રીસ્તીએ કહ્યું 'મહારાજ, પાઘડી ઉતારીને પ્રવેશ કરો.'

સ્વામીજીએ થંભીને ઉત્તર દીધો 'અમારા દેશની રીતિ પ્રમાણે તો માથા પર પાઘડી બાંધીને જવું એ જ સભ્યતાનું ચિહ્ન છે. એટલે મારા દેશની સભ્યતા વિરૂદ્ધ હું નહિ વર્તું. હા, આપ કહો તો જોડા ઉતારી નાખું.

ખ્રીસ્તીએ કહ્યું, 'ત્યારે તો બંને ઉતારી નાખો.'

સ્વામીજી દરવાજેથી જ પાછા ફરી ગયા. સ્વમાનનો ભંગ એ એમને માટે તે જીવતું મોત હતું.

જયપુર રાજ્યના એક મોટા અધિકારીને એક સજ્જને કહ્યું કે 'ચાલો સ્વામીજીનાં દર્શન કરવા.'

પેલા અધિકારીએ જવાબ દીધો કે 'તમે તે દર્શનનું કહો છો, પણ જો મારું ચાલે તો એને કૂતરાને મ્હોંયે ફાડી ખવરાવું !'

શ્રાદ્ધ અને મૂર્તિપૂજાના ખંડનથી જયપુર-નરેશ પોતે પણ સ્વામીજી ઉપર કોચવાયા. સ્વામીજીને માથે રાજ-રોષનું ચક્કર ફરવા લાગ્યું.