પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩]

શિક્ષણ જોશભેર ચાલ્યું, પિતા કે કાકા જ્યાં જ્યાં યજમાનોમાં કથા વાંચવા કે યજમાનવૃત્તિ કરવા જતા ત્યાં ત્યાં મૂળશંકરને સાથે જ લઈ જવાનો શિરસ્તો પડી ગયો.

પુત્રને કુલધર્મમાં પાવરધો કરવાની પિતા ખૂબ કાળજી રાખતા. મૂળશંકર પાછળથી, પોતાને અને પૂર્વજોને પગલે ચાલે અને ચૂસ્ત શિવ તરીકે કુટુમ્બનો વારસો શોભાવે એ કરસનજી ત્રવાડીના જીવનની એક પ્રબળ અભિલાષા હતી. એ ઉદ્દેશથી ત્રવાડીજીએ મૂળશંકરને શિવાલયે સદા સાથે લેવા માંડ્યો. તેને શિવપૂજા શીખવી. શિવરાત્રિએ અને એવાં મહાપર્વોએ ઉપવાસ વગેરે વ્રત આચરવાનો ધર્મ એના અંતરમાં ઉતાર્યો. એવા દર પર્વે ધર્મ ઘેલા પિતાજી મૂળશંકરને ઉપવાસની ફરજ પાડતા; અને મૂળશંકર મહાવ્યથાપૂર્વક એ વ્રત આચરતો. કેટલી યે વખત એવી ફરજથી તેને બહુ કચવાટ થતો. ભૂખ વેઠાતી નહીં, અને પિતાની બીકે ઉપવાસ તજાતો નહીં, આખરે પુત્રવત્સલ માતા વચ્ચે પડી મૂળશંકરનું દુઃખ ટાળતી. આ છતાં, પિતાને પુત્રનો વિકાસ જોઈ સંતોષ રહેતો.

મૂળશંકર ચૈાદ વર્ષનો થયો, એ વર્ષની મહાશિવરાત્રિએ એના જીવનમાં એક એવો પ્રસંગ બની ગયો કે જેણે તેની જીન્દગીના જહાજની દિશા જ બદલી નાંખી અને તેના પિતાની બધી આશાઓના ચૂરેચૂરા કરી નાંખ્યા. સિદ્ધાર્થકુમારને વૃદ્ધાવસ્થા અને મૃત્યુનું - માનવદેહની ક્ષણભંગુરતાનું જ્ઞાન થયું અને જગતને નિર્વાણ બોધનારા બુદ્ધદેવ મળ્યા: તરૂણ ન્યુટને વૃક્ષ ઉપરથી ફળને નીચે પડતું જોયું અને વિશ્વના વિજ્ઞાનમાં પલટો લાવનારા ગુરૂત્વાકર્ષણનો નિયમ આપનારા વિજ્ઞાનાચાર્ય ન્યુટનની દુનિયાને પ્રાપ્તિ થઈ: તેમ એ મહારાત્રિ પણ મૂળશંકરના અંતરમાં, આર્યત્વના ઉદ્ધારક પરમ યોગીવર દયાનન્દ સરસ્વતીની