પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૦]

મૂળશંકર ઉપર પૂરો જાપ્તો રાખતા. તેને ક્યાંય એકલો જવા દેતા નહીં, અને થોડા દિવસમાં તે દક્ષ પંડિતે પણ મૂળશંકરની મનો દિશા માપી લીધી. યોગ અને યોગીઓનું દિવસરાત રટણ કરતા આ નવા શિષ્યને જોઈ પંડિતનો ભય મૂળશંકરના પિતા કરતાં યે આકરો થયો. પંડિતે કરસનજી ત્રવાડીને પોતાની પાસે બોલાવ્યા અને મૂળશંકરની મનોઘેલછાની વાત કરી. સાથે સાથે દુનિયાડાહ્યા પંડિતજીએ મૂળશંકરના પિતાને સલાહ દીધી કે એ ઘેલછામાંથી પુત્રને ઉગારવાનો એક જ ઉપાય છે અને તે ઝટપટ પરણાવી ખંભા ઉપર ઘોંસરી નાખી દેવાનો.

પિતાએ પંડિતને ઘરેથી મૂળશંકરને પોતાની સાથે પાછો જીવાપર લીધો, અને એક તરફથી તેની ઉપર છુપી રીતે ચોકી ગોઠવી અને બીજી તરફથી એટલી જ છુપી રીતે લગ્નની તૈયારીઓ માંડી. પણ જેમ મૂળશંકરના મનોભાવ પિતાથી અજાણ નહોતા રહી શક્યા, તેમ લગ્નની તૈયારીઓ મૂળશંકરથી છાની રહી શકી નહિ. મૂળશંકરે પોતાના લગ્ન સામે સખ્ત વિરોધ કર્યો અને કાશી ભણવા જવાની હઠ લીધી. આ વખતે તો પિતાએ પુત્રના મનનું સમાધાન કરવાને બદલે તેને રાતી આંખ બતાવીને જ ચૂપ કર્યો. મૂળશંકર ઘડીભર ચૂપ થયો.

પણ મૂળશંકરે લગ્નના ફંદામાં ન ફસાવાનો અને કુટુંમ્બનાં બંધનો તોડી નાસી છૂટવાને નિર્ણય કર્યો હતો. તેણે આજન્મ બ્રહ્મચારી રહી. યોગની સિદ્ધિઓ વરવાનો મનોરથ બાંધ્યો હતો. આખરે એ નિર્ણય અને એ મનોરથનો વિજય થયો. પ્રભુના આદેશને વશ બની મૂળશંકર ઓગણીસ વર્ષની વયે, જેઠ મહિનાની એક સાંજે, માતાપિતાને ખબર ન પડે એવી રીતે ઘરબાર છોડી ચાલી નીકળ્યો.