પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૧૭ ]

બે દિવસના કડાકા હતા. પાણી પણ એટલું ઠંડું થઈ ગયેલું કે મ્હોંમાં મૂકાય નહીં. એ છતાં, નદીમાં તરતા થોડા બરફના ટૂકડા લઇ ભૂખ સંતોષવાનો મેં પ્રયત્ન કર્યો; એથી શાંતિ વળી નહિં.આખરે હું નદીમાં ઉતર્યો, નદીના તળીયે પડેલ અણીદાર પથરાઓથી મારા પગ વીંધાયા, પાણીની ન સહાય એવી તીવ્ર ઠંડીથી શરીરનાં અંગ ખોટા પડવા લાગ્યાં. તો યે, જેમ તેમ કરીને, મરણતોલ હાલતમાં હું સામે કાંઠે પહોંચ્યો. ત્યાં તો મારા છેદાયેલા પગમાંથી લોહીની ધારાઓ વહેવા લાગી. મેં મારા શરીર ઉપરથી વસ્ત્ર ઉતારી પગ ઉપર વીંટ્યું. તો પણ પગની વેદના મોળી પડી નહિ. હું કાંઠે જ નીચે બેસી ગયો. મારામાં એક પણ ડગલું આગળ ચાલવાનું બળ નહોતું રહ્યું. અને ભૂખ રોમે રોમ વ્યાપી હતી. હું કોઈની મદદની વાટ જોવા લાગ્યો. ત્યાં મારી પાસે થઇને બે ગુરખા ખેડુતો નીકળ્યા. મને સંન્યાસી ભાળી તેમણે હાથ જોડ્યા અને ઘેર આવવા પ્રાર્થના કરી. પણ હું અપંગ બની ગયો હતો. અને પગ પાછા સાચા બને એટલામાં તો એ બંને ખેડુતો ડુંગરાઓમાં અદૃશ્ય થઇ ગયા. થોડા વખત પછી પગમાં તાકાત આવી, એટલે ધીમે ધીમે હું બદરી નારાયણ પહોંચ્યો. ત્યાં ખોરાક લીધો. ત્યારપછી હું ફરીવાર જીવતો થતો હોઉં એમ મને લાગવા માંડ્યું. આવા તો જીવનમાં જુદે જુદે વખતે કેટલાયે પ્રસંગો આવી ગયા. પણ એથી કદિ યે હું નાસીપાસ થયો કે હામ હારી બેઠો એવું મને સાંભરતું જ નથી."

એમ આરામ કે વિરામ વિના, ભૂખ અને તરસની કે શરીરકષ્ટની જરાયે પરવા કર્યા વિના દયાનન્દ વર્ષો સુધી હિમાલયમાં ભટક્યા. એ ગિરિરાજની તળેટીએ તળેટી, જંગલે જંગલ, અને શિખરે શિખર ભટકી વળ્યા. પણ ક્યાંય તેને મહાત્મા મળ્યા જ નહીં.