પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૧૯]






વિરજાનન્દને ચરણે

સાલ ૧૮૫૦ થી ૧૮૬૦ સુધીના એક દશકાના ભ્રમણમાં, ભારતવર્ષની અતિશય દુર્દશા દેખી, દયાનન્દના અંતરમાં સીસું રેડાયું. વજ્રથી પણ કઠોર અને છતાં પુષ્પથી યે સુકુમાર હૃદયવાળા એ મહાનુભાવે હિન્દુધર્મના અને હિન્દુ કોમના અધ:પાત ઉપર આંસું વરસાવ્યા. બ્રહ્મવિદ્યાનો ઉપાસક એ અવધૂત જ્યાં જ્યાં ગયો ત્યાં ત્યાં તેની સામે અજ્ઞાન અને અંધકાર જ અથડાયા. તેણે ક્યાંય સાચું જ્ઞાન જોયું નહીં, ક્યાંય સાચા યોગી કે મહાત્મા ભાળ્યા નહીં. તેણે ઠેર ઠેર દંભ, પાખંડ અને વિલાસમાં રચ્યાપચ્યા રહેનારા, સામાન્ય માણસોથી યે ઉતરતી શક્તિ ધરાવનારા સાધુઓને જગ્યાઓ સ્થાપીને અને મઠો નાખીને ગુરૂને ઉંચે સિંહાસને ચડી બેઠેલા જોયા. તેણે હિન્દુ સમાજમાં ધર્મને નામે રૂઢિઓનું સામ્રાજ્ય વર્તતું નિહાળ્યું; હિન્દુનું નૈતિક, માનસિક અને શારીરિક-સર્વવિધ પતન નીરખ્યું; જ્ઞાનપ્રેમને અને કલાવ્યાસંગને સમાજમાંથી સાવ ભૂંસાયેલાં ભાળ્યાં; બાળલગ્નની ભઠ્ઠીમાં હજારોની સંખ્યામાં હોમાઈ જતાં હિન્દુ કોમનાં આશાસ્પદ બાળ-બાળકીઓ,