પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૨૦]


ચિત્તા ઉપર ચડી પ્રતિદિન જીવતી સળગી મરતી હિન્દુ સતીઓ, ચાકરડી અને ગુલામડીની અધમ અવદશામાં હિન્દુ ઘરમાં સડતી સાવિત્રિ અને સીતાની વારસદાર હિન્દુ નારી અને હિન્દુ કોમનું કલેવર કોરી રહેલા કુસંસ્કારો અને કુરીવાજોનું સામ્રાજ્ય જોયું. એ બધું જોઈ દયાનન્દના હૃદયમાં લાય લાગી.

આ ઉપરાંત, આખા દેશમાં એણે દાસત્વ અને દીનતા, પરાધીનતા અને પામરતાનું જ દર્શન કર્યું : અને સ્વાધીનતાપ્રિય હિન્દુ જાતિનો એ વિનિપાત દેખી એ મહાત્માના રોમે રોમમાં દુ:ખની વેદનાએ કાળી બળતરા કરવા માંડી. દયાનન્દને એના રઝળપાટમાં આર્યાવર્તની ગરીબી અને દરિદ્રતાનો પણ પૂરો પરિચય થયો. એણે, એકના એક પુત્રના શબને અગ્નિદાહ દેવાના પૈસા ન હોવાને કારણે એ શબને ગંગાજીમાં વહેતું મૂકી દેનારી અને એ મૃતદેહ ઉપરથી છેલ્લો લુગડાનો ટુકડો પણ પાછો ઉતારી લેનારી દરિદ્રતા હિન્દુ કોમમાં ભાળી. એણે, મુઠી અનાજ ન મળવાને કારણે એક જ વખત ખાવાનું પામતી અને કેટલીક વખત તો દિવસો સુધી ભૂખના કડાકા વેઠતી, કલ્પનામાં પણ ન ઉતરે એવી બેહદ કંગાલીયત જનતામાં જોઇ. સાથે સાથે એણે આંખો મીંચીને અવળે માર્ગે લક્ષ્મીનો દુર્વ્યય કરનારા વિલાસી લક્ષ્મીનંદનો ય જોયા. એ જોઇને હિન્દુવટના પ્રેમી આ પરમ યોગીના અંતરમાં પારાવાર સંતાપ થયો.

એણે શુદ્રોને સતાવતા બ્રાહ્મણો જોયા. એણે ગરીબોને કચડતા શ્રીમંતો જોયા અને એણે એ બધાને પોતાની વજ્રએડી નીચે ચગદી નાખતી પરદેશી સત્તાનું પણ પરિબળ જોયું. એણે માનવકલ્યાણ અને બંધુસેવાનો સાચો વેદધર્મ ચૂકી, આ જીન્દગીને જંજાળ મનાવતા અને પર જીન્દગીની-મુક્તિની