પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૩૯]


ચાંદાપુરથી પરવારી આસપાસના પ્રદેશમાં વેદસંદેશ સંભળાવી, મહર્ષિજીએ પંજાબની મઝલ આદરી.

૨.

મહર્ષિજીનું સાચું કીર્તિમંદિર તો પંજાબ છે. જે પાંચ નદીઓના દેશમાં વેદની પ્રથમ ઋચાઓ ઉચ્ચારાઇ, એ પંજાબમાં જ આર્યત્વના ઉદ્ધારનો સાચો આરંભ થયો, અને આજે, આર્યત્વના અજય દુર્ગ તરીકે પણ એ વીર પંજાબ જ ઉભો છે.

એ પંજાબમાં મહર્ષિજીએ ૧૮૭૭માં પગ મૂક્યો, અને પહેલું વ્યાખ્યાન લાહોરમાં આપ્યું. જાણે ગુરૂ નાનકદેવે મહર્ષિજીને માટે ક્ષેત્ર તૈયાર કરી મૂક્યું હોય તેમ, મહર્ષિજીના એ પ્રથમ વ્યાખ્યાનની જાદુઇ અસર થઈ. પછીનાં વ્યાખ્યાનોમાં શ્રોતાજનોની જબ્બર મેદિની જામવા માંડી અને મહર્ષિજીનો વેદસંદેશ વીજળીને વેગે પંજાબમાં પ્રસરવા માંડ્યો. બે મહિનામાં તો, મહર્ષિજીએ પંજાબને કોઈ એવું વશીકરણ લગાડ્યું કે પંજાબીઓ, ગરીબ અને તવંગર, શિક્ષિત અને અશિક્ષિતનો ભેદ ભૂલી, દયાનંદ સરસ્વતીની પાછળ જાણે ઘેલાં બની ગયા. પંજાબમાં ઠેર ઠેર આર્યસમાજ સ્થપાવા લાગ્યાં, ગુરુકુલો નંખાવા માંડ્યાં. શાળાઓ ઉઘડવા લાગી, અનાથાલયો ઉભાં થવા માંડ્યાં. પંજાબમાં નવું ચેતન પ્રગટ્યું હોય, પંજાબીઓની નસોમાં નવું લોહી ઉભરાવા માંડ્યું હોય , તેમ પંજાબીઓએ મહર્ષિજીના મનોભાવ બરાબર ઝીલી લીધા અને તેમના આદર્શ મુજબ હિન્દુકોમની પુનર્જાગૃતિનું કામ બરાબર ઉપાડી લીધું. સમસ્ત પંજાબમાં પ્રગટેલી એ હિન્દુત્વની અસ્મિતાએ હિન્દુ કોમમાં નવી જ રાષ્ટ્રીય અસ્મિતા સરજાવી, અને એને પરિણામે, એક દશકા પહેલાં પંજાબમાં એવો સમય આવી ગયો કે જ્યારે સરકાર આર્યસમાજ અને આર્યસમાજીને નામે ત્રાસતી. આજે યે પંજાબમાં એ આર્યસમાજનું દળ એક પ્રચંડ શક્તિરૂપે