પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૫૦ ]

દેશમાં રાષ્ટ્રીય શિક્ષણના જે પ્રયેાગો મંડાઇ રહ્યા છે. તેની પાછળ ઉભેલા આદર્શો તે દયાનંદજીએ દશકાઓ પહેલાં ઉચ્ચારેલા, ત્યારે શિક્ષણના અણખેડાયેલા ક્ષેત્રમાં દયાનંદજી એકલા તેમનું હળ લઈ પ્રાથમિક ખેડકાર્યા કરતા. તેમના એ પરિશ્રમને પરિણામે તેમણે ગુરુકુલ-શિક્ષણનો આદર્શ શોધ્યો. સર્વત્યાગી શિક્ષકો, બ્રહ્મચારી વિદ્યાર્થીઓ, ગામના કલુષિત વાતાતરણથી દૂર અરણ્યમાં ઉભેલા શિક્ષણ-આશ્રમની પુરાતન શિક્ષણપ્રથા તેમણે સજીવન કરી. એ ગુરૂકુલમાં મહર્ષિજીના આદેશ મુજબ, વિદ્યાર્થીઓના ઉધોગ-શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂકાયો, એ માટે સર્વવ્યાપક શિક્ષણની સર્વોપરિ જરૂરત પણ જાહેર કરી, અને બાળક-બાળકીઓ બન્નેના ફરજીયાત શિક્ષણનો પ્રાચીન આદર્શ નવે સ્વરૂપે રજૂ કર્યો.

એ રીતે, મહર્ષિજીએ ધર્મ, સમાજ અને શિક્ષણ જાતિના અસ્તિત્વને માટે મહત્ત્વના ત્રણે પ્રશ્નોના સમર્થ ઉકેલ રજૂ કર્યા અને આચરણીય સુધારાઓ યોજ્યા. મહર્ષિજીનું એ ત્રિવિધ સુધાર-કાર્ય તેમને સાચા રાષ્ટ્રવિધાયક તરીકેના પરમ પૂજનીય સ્થાને સ્થાપી રહ્યું છે. મહર્ષિજીની રાષ્ટ્રવીર તરીકેની સેવાઓની કદર હજી ભારતવર્ષ નથી કરી શક્યો. મહર્ષિજીના જીવનની મતસ્થાપક તરીકેની ભડકાવનારી છબી આલેખનારાએ ઉભા કરેલા કાળા એાળાઓ નીચે સાચો દયાનંદ, રાષ્ટ્રનો વિધાયક દયાનંદ, દેશભક્ત દયાનંદ દટાઈ ગયો છે એવું નિર્મળ નયનને સહેજે દેખાય છે. આવતી કાલે દયાનંદજીના સુધાર- કાર્યનાં મીઠાં ફળ પાકી રહેશે અને આજના વેરાન ભારતવર્ષમાં નન્દનવન ખડું થશે, ત્યારે આવતી કાલની નવી પ્રજા એ પુરૂષવરને કૃતજ્ઞતાપૂર્વક જરૂર સંભારશે અને એ મહત્તર દયાનંદને પ્રાતઃસ્મરણીય રાષ્ટ્રસૃષ્ટા તરિકે પૂજશે.