પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૬૧ ]


“તમારી પડખે જ બેસીશું.”

“ખુશીથી; આવો, બેસો.” કહી સ્વામીજીએ પોતાના આસન પરથી પોથી હટાવી લીધી.

પણ રાવને તો ટંટો જ મચાવવો હતો. એના મદોન્મત્ત કંઠમાંથી વચનો નીકળ્યાં કે “સંન્યાસી થઈને રાસલીલામાં હાજરી ન આપી તેની લજ્જા નથી આવતી ?”

મંદ મંદ હસતા મહર્ષિએ જવાબ વાળ્યો:

“રાવ મહાશય, આપના પૂજ્ય પૂર્વજોનો વેશ લઈને હલકાં મનુષ્યો નાચે અને આપ ક્ષત્રિય બનીને બેઠા બેઠા એ નાટક ઉપર ખુશી થાઓ, એની લજ્જા તો આપને જ આવવી ઘટે ! કોઈ સાધારણ લોકો પણ પોતાનાં કુટુંબીજનોના વેશ જોઈને કદિ ખુશી થાય ખરા કે ?”

“અને તમે ગંગામૈયાની પણ નિન્દા કરો છો, કેમ?”

“ના ભાઈ, હું ગંગાની નિન્દા નથી કરતો. પણ ગંગા જેવી અને જેટલી છે તેવી અને તેટલી જ હું એને વર્ણવી બતાવું છું.”

“એટલે ! ગંગા કેટલી છે ?”

કમંડળ ઉઠાવીને સ્વામીજી બોલ્યા, “જુઓ, મારે માટે તો આ કમંડળ ભરાય તેટલી જ ” .

કર્ણસિંહના હોઠ કમ્પી રહ્યા હતા.

સ્વામીજી ફરીવાર બોલ્યા, “રાવ સાહેબ, આપના કપાળમાં આ તિલક શાનું છે?”

“એ 'શ્રી' છે. એને ન ધારણ કરનાર ચંડાળ છે." રાવે ડોળા ફાડ્યા.

'આપ ક્યારથી વૈશ્નવ થયા ?'

'કેટલાં યે વર્ષો થયાં.'

'અને આપના પૂર્વજો પણ વૈશ્નવ હતાં કે?'