પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[૬૯]


હાથ જોડીને બન્ને બોલ્યા 'બાપુ ! માંગીલાલ મુનીમે. અમને બદલો દેવાનું પણ એમણે વચન દીધું છે.'

'કશી ફિકર નહિ !' એટલું જ કહી, હસીને સ્વામીજીએ બન્નેને છોડી દીધા.

૧૩

મુંબઈમાં દયાનંદનાં પગલાં થયાં. વલ્લભી સંપ્રદાયના ગોંસાઈ મહારાજોએ માન્યું કે આપણો કાળ આવ્યો. સ્વામીજીને સલાહ મળી કે 'મહર્ષિજી, વલ્લભપંથીઓની છેડ ન કરતા હો!'

દયાનંદજી કહે છે કે 'ભાઈ, અસતને તે ઈંદ્રના આસન પર પણું દીઠું નહિ મેલું. મારૂં ભલે થવું હોય તે થાઓ !'

૧૪

“બલદેવસિંહ ! બચ્ચા ! તારી આંખોમાં આજ હું મારૂં મોત ઉકેલી રહ્યો છું.” ઓચીંતા એક દિવસ પોતાના સાથી પ્રત્યે મહર્ષિજી બોલી ઉઠ્યા.

બલદેવને માથે જાણે વિજળી પડી.

'બો બચ્ચા ! આજ ગોંસાઈને ત્યાં ગયો હતો ?'

બલદેવે ચક્તિ બનીને ડોકું ધુણાવ્યું.

'શી શરતે મને વિષ દેવાનું ઠર્યું છે ?'

'એક હજાર રૂપીએ.' લાઈલાજ બનેલા બલદેવે પૂરેપૂરું અંતર ખોલી નાખ્યું.

'જો બચ્ચા, પરમેશ્વર જેનો રખેવાળ છે એને કોઈ ન મારી શકે હો ! કાશીમાં મને હળાહળ ઝેર દીધેલું હતું. રાવ કર્ણસિંહે પાનમાં ઝેર ભેળવીને ખવાડ્યું હતું. બીજા કૈંકે એ પ્રયોગો મારા પર અજમાવ્યા છે, છતાં હું જીવું છું, ને યાદ રાખજે, હું હમણાં નથી મરવાનો.'

બલદેવસિંહ સ્વામીના ચરણોમાં લેટી પડ્યો.