પૃષ્ઠ:Jhanda Dhari Maharshi Dayanand.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[ ૭૧ ]


સ્વામીજીએ પૂછ્યું 'આ કોણ છે ?'

'કાશી વિશ્વનાથ જેવા જ અહીંના એક પ્રાચીન મહાદેવના પૂજારી છે.'

સ્વામીજી સમજી ગયા કે આ ભાઇ લડાઇ મચાવવા જ આવ્યા છે, એટલે તો પોતે વધુ નિર્ભય બનીને કાશીવિશ્વનાથનું ખંડન કરવા મંડ્યા. સ્વામીજીની પાસે પતાસાંનો ડબો પડ્યો હતો તેમાં હાથ ઘાલીને આ ગુંસાઈ એક એક પતાસું ઉઠાવીને અજીઠે હાથે પતાસાં બુકડાવવા લાગ્યો.

સ્વામીજી શાંત સ્વરે બોલ્યા, 'અરે ભાઇ, પતાસાં ખાવાં હોય તો, મૂઠો ભરીને એક સામટાં લઇ લેને ! મારાં બધાં પતાસાં શીદને અજીઠાં કરી રહ્યો છે ?'

ગુંસાઇ માન્યો નહિ. એટલે સ્વામીજીએ ત્રાડ નાખીને સેવકોને આજ્ઞા કરી કે 'બહારનો દરવાજો બંધ કરી દો. હું એકલો જ આ બધાને હમણાં સીધા કરી નાખું છું.'

વિકરાલ આકૃતિને દેખીને છોટુગિરનું હૃદય કમ્પી ઉઠ્યું. એણે પોતાનો કાળ ભાળ્યો. ખસીને એ દૂર બેસી ગયો. ટોળું દિગ્મૂઢ બની ઉભું રહ્યું.

છોટુગિરનો ઘમંડ તે વખતે તો તૂટી ગયો. પણ એની દ્વેષ-જ્વાળા ઓલવાઇ નહિ. એક રાત્રિયે એણે બે પહેલવાનોને સ્વામીજી પર હુમલો કરવા મોકલ્યા. રાત્રિને શાંત સમયે સ્વામીજી એક ભક્તને ધર્મ નું ૨હસ્ય સમજાવી રહ્યા હતા. એવામાં આ ગુંડાઓએ આવીને ઠઠ્ઠામશ્કરી આદરી દીધાં. એક બે વાર તો સ્વામીજીએ એને કોમળ વાણીમાં સમજાવ્યા. પણ જ્યારે એણે જોયું કે ભલમનસાઇ ફોગટ જાય છે, ત્યારે પોતે સિંહગર્જના કરી. અને એ તો આત્મસિદ્ધ બ્રહ્મચારીની ત્રાડ ! છાતિ વિનાના એ બન્ને માનવ-પશુઓ કાંપી ઉઠ્યા. પરસેવે ભીંજાયા. પેશાબ છુટવાથી વસ્ત્રો પણ બગડ્યાં.