પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કલાપીની કેકા
[ ૧૧૩
 

પૂર્ણરૂપે અર્થશઃ પોતાના કાવ્યમાં ઉપાડી લઇને નાખ્યાં છે; પ્રસંગ અને ચિત્રનું આ અપહરણ સંપૂર્ણ છે."[૧]

પરંતુ હકીકત એ છે કે, ગોવર્ધનરામે પોતે જ 'રસપાન અને મોહ' એ 'સ્નેહમુદ્રા'નું કાવ્ય સ્વતંત્ર રીતે લખ્યું નથી. તેમણે 'સ્નેહમુદ્રા'માં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે કે, ટોમ્સન કૃત સીઝન્સમાં ડેમન્ અને મ્યુસીડોરાની વાર્તા છે, તે ઉપરથી આ કાવ્યનો પ્રસંગ સૂચિત છે. એટલે સ્વ. નરસિંહરાવભાઇએ કલાપી પર અપહરણનો જે આરોપ આ કાવ્યને અંગે મૂક્યો છે તે ખોટો છે. કલાપીએ કેટલાએ કાવ્યો અંગ્રેજી પરથી લખ્યાં છે, અને કદાચ તેમણે જાતે પુસ્તક છપાવ્યું હોત તો તે પોતાનું સાહિત્ય—ઋણુ જાહેર કરત; એટલે જ કલાપીને માટે 'અપહરણ' શબ્દ વપરાય તે અયોગ્ય લાગે છે."

સ્વ. નરસિંહરાવ કલાપીના આ 'અપહરણ' અને 'સ્નેહમુદ્રા’ના પોતે માનેલ મૂળ કાવ્યમાંથી રા. ખબરદારે કલિકામાં 'અપહરણ' કર્યું છે એમ પણ કહ્યું છે. 'તળાવ કિનારેનાં ઝાડ, ઝાડ ઉપર ચઢીને બેઠેલો પ્રેમી, જનતણો પગરવ બંધ થવો, વસ્ત્રો ઉતારીને જળમાં પડેલી છાયાનું ઓચિંતું દર્શન, તેથી ચમકીને પ્રિયતમાનું જળમાં ડૂબકી મારવાનું કૃત્ય–આ સર્વ અંશો લગભગ મૂળ રૂપમાં કાંઈક ગોપનાર્થે ગોઠવેલા રૂપાન્તરમાં ગોવર્ધનરામની સ્નેહમુદ્રામાંથી, અને તેના જ અપહરણરૂપ કલાપીના એક કાવ્યમાંથી, જડી આવશે.'

નવાઈની વાત એ છે કે, સ્વ. બાલાશંકરે પણ આ અંગ્રેજી કાવ્યના વિચારો લઈ, 'સ્નેહાલાપ’ નામનું કાવ્ય કલાપીએ 'જ્યાં તે ત્યાં હું' લખેલ છે તે જ શાર્દૂલવિક્રીડિત વૃત્તમાં લખ્યું હતું, અને તેના વિશે સ્વ. સાગરે લખ્યું છે :–


  1. ૧. મનોમુકુર : ગ્રંથ બીજો