પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજકુમાર કોલેજમાં
[ ૧૭
 

તો તરત તેનું અનુકરણ કરી શકતા, ને તેના જેવો જ સુંદર ધ્વનિ કાઢી શકતા.

રાજકુમાર કૉલેજમાં આવી તેમની ટેવને લીધે ઘણાયે કુમારો તેમની પાછળ પાછળ ફર્યા કરતા. એવી આશામાં કે કાંઈક નવું સંભળાવશે. મૅકનૉટન સાહેબે એવું બધું બંધ કરવા કલાપીને કહ્યું. ‘કોઈ પણ કુમાર તારી પાછળ આવે તોયે તારે તો એક શબ્દ પણ મ્હોમાંથી ન કાઢવો, પછી એ એમની મેળે ચાલ્યા જશે.’ આ હુકમ છતાંયે ઘણા કુમારો તેમની સાથે રહેતા. એકવાર એક પંખીનો મધુર સ્વર તેમને કાને અથડાયો, ને તેમની સ્વાભાવિક વૃત્તિ જાગી. હુકમ તો ન તોડાય; વ્યસન પણ ન છોડાય, એટલે તેમણે મ્હોં ઉઘાડ્યા વગર નાકમાંથી એવો સ્વર કાઢ્યો કે બધા છક થઈ ગયા. મૅકનૉટન સાહેબે એ સાંભળ્યો, એકદમ આવ્યા ને [બધુંજાણી] કહ્યું: ‘ખરેખર ! તું કોઈ અજબ છે. તારી સ્વાભાવિક વૃત્તિઓને હું તો શું પણ પ્રભુયે ન રોકી શકે. આજથી તને પાછી છૂટ આપું છું.[૧]


  1. ૧. ‘કૌમુદી’: કલાપી અંક