પૃષ્ઠ:Kalapi by Navalram Trivedi.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮ ]
કલાપી
 

વસ્તુસ્થિતિના વર્ણન કરતાં કલાપીની નમ્રતાનું દર્શન વધારે થાય છે. મણિલાલ માત્ર સરસ્વતીભક્ત ન હતા. તેમણે પોતે જ લખ્યું છે, કે તેમના જીવનનું તેમણે માનેલું સર્વથી મહાન કર્તવ્ય કાંઈક બીજું જ હતું. 'મારી જીંદગીની મુખ્ય શેાધ કોઈ શુદ્ધ પ્રેમસ્થાન મેળવવા તરફ હતી. તેવું સ્થાન સ્ત્રી મળે, ને વળી પોતાની પરણેલી હોય તે ઘણું શ્રેષ્ઠ એમ હું માનતો. પણ વ્યર્થ. સ્ત્રીના અભાવે કોઈ પુરૂષની સાથે ખરો પ્રેમ બંધાય તો તે પણ મને ઈષ્ટ હતો. આ જ કારણથી હું મિત્રોની વ્યવસ્થા વારંવાર કર્યા જતો ને બને તેટલી રીતે મારા મિત્રો મારા પર પ્રેમ રાખે તેવા પ્રયત્ન આચરતો. પ્રેમનું સ્વરૂપ છે એક પ્રકારનો આનંદમય તથા પોતાપણું ભૂલી પારકામાં તન્મય થવાય એવો અભેદ માનતો. મારૂં વય સમજવાળું થયા પછી હું કોઈ કોઈ સ્ત્રીઓના સંબંધમાં આવ્યો હોઈશ, તે પણ આવી શોધના ઇરાદાથી, વિષયવાસનાથી નહિ. પણ સ્ત્રીપુરૂષ ઉભયપક્ષે મને મારી ઈચ્છા મુજબ મળ્યું નહિ, ને પ્રેમ અંતે વિરાગરૂપે પરિણામ પામ્યો.'[૧]

અને કલાપી પણ ‘રાજ્યખટપટની જાળમાં ગુંચાયેલો કીડો’ ન હતા. અન્ય સ્થળે પણ તેમણે પોતાને માટે 'હું રાજ્યખટપટનો કીડો છું'[૨] એમ કહ્યું છે. પરંતુ તે પછી તુર્ત જ જે ઉમેર્યું છે તે જ તેમને માટે વધારે સાચું છે– 'પણ સ્નેહીનો દાસ છું.' આ પ્રમાણે નડિયાદનિવાસી સાક્ષર અને લાઠીના રાજવી વચ્ચે જીવનના ધ્રુવ સંબંધમાં ઐક્ય હતું, એટલે તેમની વચ્ચે અસાધારણ સ્નેહ જામે તેમાં નવાઇ પામવા જેવું નથી. વળી મણિલાલને વિશેષ વ્યવસાય ન હોવાથી તેમને કલાપીના હૃદયની વધારે નજદીક આવવા માટે વધારે અનુકૂળતા હતી. જો કે કલાપી તો તેમને મિત્રના કરતાં ગુરુ વિશેષ ગણતા હતા. છતાં આ ગુરુશિષ્ય વચ્ચે, બુદ્ધિનો નહિ પણ લાગણીનો ગાઢ સંબંધ હતો. એ કેટલો ઉત્કટ હતો તે દર્શાવવા માટે


  1. ૧ મણિલાલની 'આત્મકથા' ( વસંત )
  2. ૨ 'શ્રી. કલાપીની પત્રધારા' પૃ. ૨૮૦