પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે યુદ્ધ તો જગવવું પણ પ્રેમ રાખી,
લોહી લીધા વગર લોહી દઈ જ દેવું!

દોરાઈ છે વળી જવું કંઈ તાંતણાથી !
આજ્ઞા થતાં કુદરતી કહી 'ના' શકે ના;
જેને જેનો જગતમાં નબળાઈ ક્હેતાં,
તેમાં જ છે તુજ થવું પુરુષાર્થ વ્હાલા!

જે માર્ગથી જ જગત આ પડી જાય નીચે,
તે માર્ગથી જ જગને લઈ જાવું ઊંચે;
જે ગીત સર્વ નબળાઈ મહીં તું ગાશે,
તે ગીતથી જ જગની નબળાઈ જાશે.

તાકાત હોય કરવા સહુ સાહસો આ,
જો મૃત્યુ પાછળય રાખી શકે તું આશા;
તો કેડી છોડી નવી કેડી તું ખેડતો છો,
જા તું ફરી જગતના ક્રમમાં નહીં તો.

૨૦-૪-૧૮૯૬

નદીને સિન્ધુનું નિમન્ત્રણ

ઘૂઘૂઘૂઘૂ ગિરિ ઉપરથી ઘૂઘવી આવતી'તી,
મ્હારે માટે હ્રદય દ્રવતું ભેટવા લાવતી'તી;
સર્પાકારે વહતી વનમાં ગીત ગાતી હતી તું,
મ્હારી છાયા સમજી નભને ઉરમાં ધારતી તું!

દીઠા મ્હારા અવર નદીથી હસ્તને ખેલતાં શું?
દીઠા મ્હારી ચડતીપડતી પ્રેમમાં તેં અરે શું?
દીઠી છાપો દિલ પર પડી સર્વ ભૂંસાઈ જાતી?
શું દીઠું કે ત્યજી દઈ મને રેતમાં તું સમાઈ?

મ્હારા હસ્તો જરૂર નદીઓ અન્યથી ખેલનારા,
ખેંચાતું જે મુજ તરફ ત્યાં દિલ ખેંચાઈ જાતું;
તું એ વ્હાલી ગિરિ પર થઈ આવતી તે ભૂલી શું?
ભૂલી કાંઈ રજ મધુ પિતા પાસથી લાવી તે શું?

કલાપીનો કેકારવ/૧૮૭