પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાલાં! તું તો રુદન હસવું સર્વ ભૂલી ગઈ છે,
વા આ મ્હારૂં સુખ દુઃખ સહુ મોહ માની હસે છે;
એ શાન્તિનું સ્મરણ કરતાં યોગ્ય છે શાન્ત ર્‌હેવું,
ત્હારા જેવું જીવન જીવતાં ગાળવું યોગ્ય, બાપુ!

કો વિક્ષેપે મુજ નયન આ ત્હોય ભીંજાય જ્યારે,
લાલાં! ત્હારૂં મુખ ફરી ગફરી આવશે યાદ ત્યારે;
આંસુડાં એ ખરી પણ જશે પ્રેમ વૈરાગ્યનાં બે,
વ્હાલી લાલાં! ક્યમ મળી શકે જ્ઞાન શાન્તિ પરાણે?

૮-૬-૧૮૯૬

વિના કૈં પાપ પસ્તાવું

વિના કૈં પાપ પસ્તાવું નસીબે આ લખાયું છે!
ફરી પસ્તાઈ એ ફન્દે ફસાવાનું લખાયું છે!

તહીં છે ઈશ્કની મેના, જિગર મારું પડ્યું તેમાં;
પરંતું પાંખ એ તેની નસીબે દૂર છે ઠેલી!

અહીં છે ઇશ્કનું પિંજર, પુરાઈ પાંખ છે જેમાં;
હવાલે તે તણે ગાળી રહીને જિન્દગી જેમાં.

નવી, નીલી અને કુંળી ઊગી તે પાંખ ઊડે છે;
અને એ પાંખને જોરે જરા પિંજર તૂટેલું છે.

ન તુટે એ, ન ઊડે આ, અને છોડે પછાડાના;
ગળે બાઝી રહ્યું પિંજર, દિલે બાઝી રહી મેના!

ભલે તું ગીત ગા, મેનાં, ભલે તું રોઈ રહે, મેનાં!
'વિના કૈં પાપ પસ્તાવો', કહું હું બોલ શેં એવા?

અરેરે! કેદખાનામાં મને આ ઈશ્ક સૂઝ્યો ક્યાં?
ખુદાએ નૂર બતલાવી દિલે ચિનગી લગાડી કાં?

ન જોયું કૈં અગાડીનું! ગયો ભૂલી પછાડીનું,
અને ગાફેલીએ વ્હોર્યું વિના કૈં પાપ પસ્તાવું!

૯-૬-૧૮૯૬


ત્યાગ

હું જાઉં છું, હું જાઉં છું, ત્યાં આવશો કોઈ નહીં;
સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!

કલાપીનો કેકારવ/૨૩૧