પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિના હેતુ ના ના જન હૃદયનાં ચક્ર ફરતાં,
વિના હેતુ શાને દિલ દિલ ચીરે ને રડી મરે?
વિના હેતુ તો ના ગતિ પણ કરે પર્ણ સરખાં,
વિના હેતુ કાંઈ કદિ પણ બને ના કુદરતે.

હતો હું ત્‍હારો ને જગત મહીં એ કૈં રસ હતો,
જનોના ધારાનું મુજ હદયથી સેવન થતું;
હતો ત્‍હારો તેથી હજુ પણ નહીં ન્યૂન તુજ હું,
હવે કિન્તુ મ્હારૂં હૃદય વળી છે અન્ય દિલનું.

કદી એ બોટાતાં હૃદય નવ ઉચ્છિષ્ટ બનતું,
હતું તેવું મ્હારૂં હૃદય તુજ માટે હજુ રહ્યું;
પ્રિયે! ના પ્રીતિને કુદરત કદી પાતક ગણે,
મને, તેને, તુંને કુદરત અમીથી નિરખશે.

અરેરે રાહ જોવાનું ના ના યોગ્ય દિસે મને,
ઉડ તું! આવ તું! વ્હાલી! કો દી કાલ ન ઠેરશે.

વહી જાશે દ્‍હાડા! વિલુપ મુખ તેનું થઈ જશે!
અને મ્હારૂં હૈયું પછી કદિ નહીં જીવી શકશે!
મરી જાશું આંહીં! તુજ મરણ ત્યાં દૂર બનશે!
અરે વ્હાલી! શાને તુજ હૃદય એ ઘાટ ઘડશે?

બહુ મ્હોટો ફેરો અરર! પછી લેવો જ પડશે!
બહુ જન્મો વ્હાલી! રુદન કરવાનું જ મળશે!
પ્રભુ જાણે ક્યારે ત્રણ હૃદયનું ઐક્ય બનશે!
પ્રિયે! ન્યાયી માતા કુદરત બહુ કૈં કૃપણ છે!

ઘડીનો એ કો દી કુદરત ન વ્યાક્ષેપ સહતી,
ઘડીમાં તો કૈં કૈં કુદરત કરે છે ગતિ નવી;
નભે ગોળા મ્હોટા ઘડી મહીં કંઈ કોશ ફરતા,
ઘડીમાં બ્રહ્માંડો પ્રલય થઈને કૈં ઉદભવે.

ન તું ચાલે ત્‍હોયે સમય તુજને તો ઘસડશે,
ન તું ઇચ્છે તેવું કુદરત નકી કાર્ય કરશે;
અરે! તો શાને ના ખુશ થઈ પ્રવાહે ભળી જવું?
અરે! તો શાને ના મધુ ઝરણનું અમૃત પીવું?

કલાપીનો કેકારવ/૨૭૨