પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ફરે વીણા તેવાં હ્રદય, નયનો અંગ ફરતાં,
દિસે બન્ને આત્મા અનુભવી રહ્યા એકમયતા

પ્રભાત કાલે મૃગ આમ આવતો;
વીણા સુણીને વનમાં ફરી જતો;
સ્વરો ન મીઠા મૃગ વીણ ઊઠતાં,
સુખી થતી ના મૃગ વીણ કન્યકા.

લગની કો લગાડે છે ઉરોની રસએકતા;
પશુ આ માનવી આ એ કાંઈ ભેદ ન પ્રેમને.

દિનો કૈં આનન્દે રસભર ગયા આમ વહતા,
સદા ર્ હેતાં ધૂને મધુર સ્વરની આમ દિલ આ;
પ્રભાતે કોઈ એ પથિક ગઢ પાસે અટકતો,
ઘડી સુણી વીણા નિજ પથ જતો આશિષ દઈ.

          * * *

તહીં ઉગ્યો છે હજુ અર્ધ ભાનુ,
નવીન રંગે નભ છે ભરેલું;
શુકો ઉડે ગીત હજાર ગાઈ,
સહુ સ્થળે છે ભરપૂર શાંન્તિ.

ઉદાસ શાન્ત સ્વર બીન છેડે,
ઉદાર ભાવો મૃગનેત્ર રેડે;
મચી રહી આર્દ્ર સ્વરોની હેલી,
મહાન આનન્દની રેલ રેલી.

સરરર સુસવાટો થાય ત્યાં બાગમાં કૈં,
અરર મૃગ બિચારો ઉછળી પડે છે;
થર થર થર ધ્રુજે કન્યકા ત્રાસ પામી,
શિથિલ કર થતાં એ બીન તૂટે પડીને.

મૃગહ્રદય મહીં છે તીર લાગ્યો અરેરેરે!
ખળખળ ઢળતું, હા! રક્ત ભૂમિ પરે એ!
નયનજલ વતી એ કન્યકા ઘા ધુવે, ને
મૃગ તડફડ થાતો હાંફતો શ્વાસ લે છે.

મીંચાઈ એ જાતાં નયન દરદે બે ક્ષણ, અને
ઘડી કન્યા સામે રુદનમય એ શાં નિરખતાં!

કલાપીનો કેકારવ/૨૮૮