પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તું સ્વપનું રીસાય તો હું સ્વપનું છું ખાક !
સ્વપનું સ્વપ્ન વતી રહ્યું ! સ્વપનું જગનો રાહ !
સ્વપનું એ મ્હોનું મીઠું !

દોરી જા મુજને તહીં ! તે ઉર જળતું ઠાર !
તેને લાવ સદા અહીં ! આવ આવ તું આવ !
સ્વપનું માયાળુ મીઠું !

આંખલડી ભીની કરી આંખલડી લૂછાવ !
હૈયેહૈયાં ધ્રૂજતાં એનાં એ જ દબાવ !
સ્વપનું તું તું તું મીઠું !
સ્વપનું પ્રેમીનું મીઠું !

૨૨-૧-૧૮૯૭


ઇશ્કબિમારી

કહ્યું'તું બુલબુલે મ્હારે, “બિમારી ઇશ્ક આલમને!'
કહ્યું મેં 'ઇશ્ક આલમને શરાબોની ખુમારી છે!'

રડીને બોલતું બુલબુલ, “શરાબોની ખુવારી લે!
'શરાબોની ખુમારી એ બિમારીની બિમારી છે!'

હસીને બોલતો'તો હું, 'હમોને એ ખુવારી હો!
'ત્‍હમારી સાવચેતીથી તમોને ન્યામતો એ હો!

'અરેરે! ઇશ્કના બુલબુલ! રડે ચે ઇશ્કને તું કાં?'
'શરાબો લાખ પી પી પી શરાબોને રડે છે કાં?'

'શરાબોને રડે છે કાં? અરે અફસોસ!' એ બોલ્યું,
'શરાબોને પીનારૂં કો શરાબોને નથી રોયું?

'શરાબોની મજા તીખી કરી લે ઇશ્કમાં લાલા!
'પછી ચકચૂર તું કેવો રડે તે જોઈશું, વ્હાલા!'

કહ્યું મેં, 'બુલબુલોને તો પડી છે ટેવ રોવાની!
'હમારી ટેવ તો જૂની મજેદારી ઉડાવાની!

'શરાબોના સીસા ઢોળી શરાબોમાં સદા ન્હાશું!
'સનમના હાથમાં જામો લબોથી ચૂમતા જાશું!

કલાપીનો કેકારવ/૩૦૪