પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'મજા આ ઝિન્દગાનીની સનમ, સાકી અને પ્યાલું!
'શરાબો દૂર થાતાં તો રહે છે ઝિન્દગીમાં શું!

શરાબોનું ભર્યું પ્યાલું! ભરી પીધું! ફરી પીધું!
કરી આ આંખ રાતી ને જિગરને તો કર્યું વહેતું!

સનમના ગાલની લાલી હતું ટીપું શરાબોનું!
હમારા ઓઠનું પ્યાલું સદા એ ચૂમતું ચાલ્યું!

'ભરી પા ને' 'ભરી પી લે', હતી એ ગુફતગો રેલી!
સુરખ આકાશ ને તારા બધે લાલી હતી ફેલી!

ગુલો કાંટા વિનાનાં ને સનમની હાંફતી છાતી,
હમારી બાદશાહીમાં હમારી એ હતી ગાદી!

મગર બુલબુલ! અયે બુલબુલ! હવે તુજ ગીત પ્યારું એ!
ફરીથી બોલ તું, બુલબુલ! 'બિમારી ઇશ્ક આલમને !'

હમારૂં જામ ફૂટ્યું છે! હમારૂં તખ્ત તૂટ્યું છે!
મગર શું હું ય બોલું, કે 'બિમારી ઇશ્ક આલમને?'

વધારી ગીતમાં ત્‍હારા હમારો બોલ આ લેને!
પુકારો, 'ઇશ્ક આલમને ખુદાઈ કો બીમારી છે!'

૨૪-૧-૧૮૯૭


આશા

આશા પાછળે આશામાં ફર્યો!
આશા દૂરની દૂરે રહી!

એ તો દૂરની દૂર ભમે,
મ્હારી પાંખ પ્હોળી ના બને,
કાને મૃત્યુના પડઘા પડે,
આશા મૃત્યુમાં ય છુપી રહી.

આશામાં જિગર ઝૂકી રહ્યું,
કદિ આંખને ચાળે ચડ્યું;
કદિ ઝૂલ્ફની ગૂંચે પડ્યું,
ક્યાંયે આંખ ના ટાઢી થઇ!

કલાપીનો કેકારવ/૩૦૫