પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આશા બોલતી, 'મૃત્યુ નથી',
મૃત્યુ કહે,'આશા જૂઠી',
શું જૂઠું? ન શું જૂઠું અહીં?
આ અંધારામાં દીવો કહીં?

છે ખાક આલમ મોતની,
તે ભૂકી મહીં આશા ભરી;
લાગી લ્હાય ભસ્મ મહીં ફરી,
ધૂણી આગ વિણ ધીખી રહી!

આશાને નિરાશા ના રુચે,
આશા તૃપ્તિથી ડરતી દિસે,
પણ તૃપ્તિનું તો નામ છે,
આશા વિશ્વની રાણી ખરી!

ઘામી વર્ષ આખું જાય છે,
કદિ ગર્જના સુણાય છે;
રૂડા રંગ દૂર ભળાય છે,
લૂખી એ જ આશા - વાદળી!

ગઇ રાત્રિ તો રવિ ઊગશે,
એ માનતો મ્હારા મને;
પણ આ અમારા કિસ્મતે,
રાત્રિ પછી રાત્રિ મળી!

આશાને ભરૂંસે જે ભમે,
તેને રંગ આ ખાકી મળે;
તેને ભેખની ઝોળી ભળે,
તે યે કોઇ દી પૂરી નહીં!

ઝોળી હાથમાં આવી હવે,
અધુરી મળી - અધુરી રહે;
તેને વિશ્વમાં કો ના ભરે,
માગી ભીખ તે ખાલી ગઈ !

ચાલે છે જમાતો કાફલા,
ઉડે છે બાદશાહી વાવટા;

કલાપીનો કેકારવ/૩૦૬