પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


અપ્સરાઓ નિત્ય આવી સરકિનારે ખેલતી,
મુજ ભૃંગને પૂજે પીળી ચંદન તણી અર્ચા કરી;
તેઓ ફરે ફૂદડી, ઊડે ગુચ્છા સુનેરી વાળના,
રવિકિરણમાં રવિકિરણ જેવા રેશમી તે ચળકતા!-૧૫

મેં સ્નાન સરજલમાં કર્યું, મુજ ગાત્ર ભીનાં કંપતાં,
આ મોતીડાં કે બિન્દુડાં જલનાં ભર્યાં મમ કેશમાં;
રવિ હોળતો મુજ વાળ તેને તો કર્યો મેં ભ્રાત છે,
તેની અને મ્હારી છબી-આ જલ બિલોરીમાં પડે!-૧૬

ખળક ખળકે તરંગોની લહરી શીતલ માધુરી,
ને કંઈક બુદબુદ જન્મ પામી શમી જતા પાછા વળી;
રવિકિરણથી નવરંગના શીકર જલના ઊડતા,
છંટાઈ તે મ્હારા ઉપર મમ શરીરને શૃંગારતા!-૧૭

ઝીણી રૂપેરી માછલી કૂદી ઊડી જલમાં પડે,
રવિબિમ્બ તો ધ્રૂજી રહે ને ચકર પાણીમાં બને;
રૂડા મુક્તાહારમાં હીરા તણા ચકદા સમી,
નાજુક રૂપાળી હાસ્યવદની એક પલ રહું ડોલતી!-૧૮

શંખ જ્યમ લપસી પડે કો ચોક મણિના ઉપરે!
ત્યમ હંસજોડી ધવલ કટકા ચંદ્ર જેવી ત્યાં તરે;
પાંખ જલથી આફળે ને તરંગો રહે છબછબી,
એ પૃથ્વીનાં પક્ષી નહીં, છે દિવ્ય દૈવી કો નકી!-૧૯

શી ડોક તેઓની રૂડી ડોલર તણી માલા સમી,
ને હિમપર્વતશૃંગ પરના બર્ફથી ધોળી ઘણી;
છે લાલ ચંચુ લાલ કે દાડિમ તણી જેવી કળી,
તે પવનવેગે જલ પરે શી ચળકતી ચાલી ગઈ!-૨૦

હવે તો મધ્યાહ્‌નકાલે ધોમ ધખિયો વ્યોમમાં,
સૌ જગત સૂતું શાન્તિમાં ને પુષ્પવેલી ઢળી ગયાં;
પણે સારસયુગલ ઉતરે કુંજમાં ઊડતું ધીમે,
ને એક સમળી ચીસ પાડી શાન્તિનાં પડને ચીરે!-૨૧

કંઈક ફૂલથી હાસ્ય કરતો, કંઈક ફૂલ રંજાડતો,
મમ કર્ણફૂલડું હૃદયરાજા મધુર મધુકર આવીયો;
પત્ર-થાળી, દાંડલી-કર, બિન્દુજલનાં મોતીડાં,

કલાપીનો કેકારવ/૮૨