પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


તે વેળ બધી મુજ ભૃંગ ને હું તો હતાં સુખરૈલમાં,
કંઈ ગોષ્ટીના પડદા ઉઘાડી પ્રેમમાં ઘેલાં હતાં;
હૃદયનો વિનિમય થતો’તો, શાન્ત રસ દ્રવતો હતો,
ને દિવ્ય ચમકારા થતા’તા હૃદય બન્નેમાં અહો!-૭

છૂટી સમાધિ હું ઊઠી સુણી હિબકતી કુમુદી આ,
પંપાળી વાંસો લ્હોઈ નીલી પર સુવાડી શાન્તિમાં;
ફરર ફર ફર ફૂંકતો ને મન્દ ગતિથી વહી જતો,
નિ:શ્વાસ વિરહિણીના સમો ત્યાં અનિલ આવ્યો શીતળો!-૮

ચડી તે પર, સુરખ સાડી ધરી, આવી ઉષા રૂડી,
અતિ શ્રમ થકી તેના અધર ને ગાલ પર લાલી હતી;
પવન તો સરકી ગયો તે એકલી રહી ઊડતી,
તારા ઝીણાની પંક્તિ તેની પાંખમાં શોભી રહી!-૯

ધ્રૂજતાં ધીમે રહ્યાં તેનાં સુનેરી પીછડાં,
ને શુક્રની ચોડી હતી રમણીય ટીલી ભાલમાં,
કદ રાક્ષસીનું પણ રહ્યું તેમાં હૃદય અતિ કોમળું,
‘તમ દંપતી સુખમાં રહો,’ તેણે મને ભેટી કહ્યું.-૧૦

પલમાં અહીં જલમાં પડી, પલમાં ગઈ નભમાં ઊડી,
કિન્તુ સુનેરી રેશમી સાડી અહીં સરકી પડી;
ધીમે ધીમે તે દિવ્ય બાલા પિગળી ગઈ કુમળી,
ને પૂર્વમાં પલ એક રઃહી શ્વેત જ્યોતિ ઝળકતી!-૧૧

જળળ જળહળ તેજગોળો લાલ ત્યાં લટકી ગયો,
તેજસ્વી તે રવિને શિરે કંઈ મુકુટ કંચનનો રહ્યો!
હું તો ઉઠી છોડી દઈ પિયુ-ભ્રમર મ્હારી બાથથી;
તે પર ફિદા આ શરીર વળી હું પ્રેમ રવિ પર ધરું અતિ!-૧૨

ફિક્કા પડેલા તારલા મેંઢાં સમા વિખરી પડ્યા,
ગોવાળ-રવિના માત્ર દર્શનથી ડરી ન્હાસી ગયા!
દંડ પ્રહર્યો એક તેણે પ્હાડ ધૂમસના ઉપર,
પળ એકમાં પિગળી ગયાં ઝાકળ તણાં શિખરે શિખર!-૧૩

વ્હાલમ ગયો રમતો અને ઉડતો બગીચે એકલો,
વેલી તણી વેણી અને વૃક્ષો મહીં છુપી ગયો;
કુંજ પેલીમાં કરે છિત્કાર તમરાં, ત્યાં ફર્યો,
ને હવે નાજુક છોડના તે ગુલ ઉપર ઘૂમી રહ્યો!-૧૪

કલાપીનો કેકારવ/૮૧