પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છબિ એ જાગે છે ફરી નયનને આર્દ્ર કરતી,
વહે પાછી લ્હેરી સદય અનિલે એ શઢ ભરી.

નિઃસ્વાર્થ ક્યાં હૃદયઅર્પણ એ રસીલું?
ક્યાં મોહનિ સભર એ દરિયાવ જેવી?
બાલાની એ રસિક ક્યાં ઉપકારવૃત્તિ?
ક્યાં ઉચ્ચ એ જિગરતખ્તની બાદશાહી?

આ ક્યાં શરીર પરનું ય લૂટી જનારા,
વિશ્વે સદા અધમ આમ જ ઘૂમનારા,
અન્ધાર આ જગતનિ હૃદયે પીનારા?
આવો વિરોધ નિરખી નયનો હસે એ.

ખુલ્લી થઇ ચમકતી અસિ હાસ્ય આપે
ને મ્યાન ખડ્‍ગ કરવા કર એ વળે છે,
છોડી દઇ કમરબન્ધ અને અસિને
વ્હાલું દરેક હથિયાર નીચે ધરે છે.

જેનો સ્વભાવ નવ પીઠ બતાવવાનો -
જેનો સ્વભાવ નવ શીષ નમાવવાનો -
તે પ્રેમથી હૃદય મીણ થઈ જઈ ને,
હા - નોતરે સહુ ય આયુધ લેઈ જાવા!

બાલાની મુગ્ધ રતિને ધરનાર હૈયે
જાદુઈ એ રસભરી છબીની સ્મૃતિમાં
જે દૃષ્ટિ છે સબલ સર્વ બચાવવાને
તે નોતરે સહુ ય આયુધ લેઇ જાવા!

જે ખડ્‍ગનો અસુર ત્રાસ ધરી ધ્રુજે છે -
જે ખડ્‍ગનો સુર સહુ ઉપકાર ગાતા -
તેનો જ બાલપણનો ત્યજી મિત્ર તેને
આજે કૃપા અવર યાચતી આ કરે છે!

જે આ પ્રવાસ તણી અર્પણની ઘડીમા
સંસારસંપદની પુણ્ય કૃતાર્થતા છે -
તેથી વિમુખ હતભાગી ઉરો નિહાળી
હૈયું મહાન હસતાં અનુકમ્પતું કૈં.


કલાપીનો કેકારવ/૩૪૮