પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

સન્ધ્યા - પ્રભાત - રવિનાં કિરણો રૂડાંથી -
રંગેલ લાલ પડદા નભના સુનેરી. -૧

પુષ્પો પરે ટપકતાં સુતુષારબિન્દુ,
ને સ્નિગ્ધ પાંખ ફૂલની મકરન્દભીની,
અન્ધાર ઘોર વિધુહીન નિશાની શાન્તિ,
વા શ્વેત દૂધ સમ રેલ રૂડા શશીની. -૨

ઘેલાં વસન્તથી બનેલ મહાન વૃક્ષો,
વર્ષા કરે હરિત નાજુક જે સુગુલ્મો,
ને બર્ફના ઢગ ભરેલ તુષારકાલ-
આ સૌ મને દિલ સમાં પ્રિય હોય, ને જો- -૩

કોઈ પશુ ગરીબડું જીવજન્તુ કોઈ,
વા પક્ષી કો’ ચસકતું કદી ન્હોય દૂભ્યું,
હોઉં રહ્યો સ્વજન સૌ ગણી સાથ હું જો,
બન્ધુ! તમે હૃદય આ રસથી ભરો તો!
૧૭-૧૨-૧૮૯૩

તુષાર

હું છું ઊભો ગિરિ તણા શિખરે ચડીને,
કલ્લોલમાલ સમ ગીચ તુષાર નીચે -
મેદાન નીલવરણા ઉપરે ઝૂમ્યો છે :
જાણે જડ્યું સર રૂડું નભને તળે તે!

મોજાં વહે ચળકતાં ભુખરાં રૂપાળાં,
રેસા સમા રવિકરો સુરખી ભરે ત્યાં,
થંડી સમીર લહરી થકી ગોલ ઘૂમે,
ભૂરાં કબૂતર તણા જ્યમ ગોટ ઊડે!

આ મેખલા સમ ઊંચો ગિરિશૃંગ ઘેર્યો,
ત્યાં વ્હોકળા ઉપર હસ્તી સમો રહ્યો જો!
તે ખીણમાં પથરનો કરી કોટ ઊભો,
ને વૃક્ષની ઉપર તીડ સમ પડ્યો, જો!

રૂપા તણા રસ સમો જલધોધવો તે -
આ ગીચ ધૂમસ તણા મુખમાં પડે છે!

કલાપીનો કેકારવ/૮૪