પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુણી મીઠું લેવા ટમટમી રહેતું હૃદય આ,
કદી તો તેના મેં મધુર ભણકારા ય કલ્પ્યા.

છતાં એ સ્વપ્ને તો, અરર! કદિ ના સત્ય નિવડ્યું,
હવે તો તે સાચું તુજ નયનનું એ ક્યમ ગણું?
હવે તો ના જૂઠું મુજ જીવિતને એ ક્યમ કહું?
ગણી મીઠી આશા હજુ પણ ઉરે હું ક્યમ ધરૂં?

કહે 'ચાહું છું', ને જગત સઘળું સત્ય બનશે,
હજારો જન્મોની મુજ હૃદય આશા ય ધડશે;
કહે 'ના ચાહું છું', કુદરત પછી જોઇશ ના,
ઉખેડી સૌ શ્રધ્ધા નયન મુજ હું ફોડીશ પછી.

તરે ના તે હોડી જલધિતળિયે છો ડૂબી જતી,
ભલે જાતાં તેના તૂતક શઢ વારિમય બની;
પછી ક્યાં તું શોધે જગત પર જે ના કદિ મળે?
પછી એ શબ્દો છો મુજ જિગરથી દૂર જ રહે!

કણું આ આંખોનું કુદરત ન દેતું નિરખવા,
છતાં કૈં સૃષ્ટિનાં મુજ નયન આડાં પડ રહ્યાં;
ત્યજીને એ 'ચાહું', તુજ અધર ના વ્યર્થ વદશે,
કણું તો કાઢી લે, મુજ નયન જો કે ન ઠરશે.

પછી ડૂબન્તાં એ નહિ મરૂં સુકાની વગર હું,
બધાંનું તે મ્હારૂં, પછી નહિ જ ધોખો પણ ધરૂં;
ભલે આ નૌકાને ખડક પર મ્હોટા મરડજે,
અરે! તે શબ્દોથી પણ હજુ સુકાની થઇ જજે.

૩૦-૫-૯૭

એ રસીલું

એ મુજ ભવનો સાર રસીલું ! એ મુજ નેત્ર રસાલ !
મોતીડે મોતીડે રસ રસ એ આ ઉરનો હાર !
                         રસીલું એ મુજ નેત્ર રસાલ !


કલાપીનો કેકારવ/૪૩૪