પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સમારૂં ના ડુબાવું ના ! જહીં ખેંચાઉ ત્યાં જાવું !
નહીં જ્યાં નાવ ચાલે ત્યાં જતાં ડૂબી નથી ગાવું !

ડુબાવાનો ય કો કાલે જશે એ વખ્ત આવી જો,
બહુ એ વાત ટૂંકી છે ! સુખે દેશું ડુબાવી તો ?

હશે બંદૂકના પડઘા થયા ના શાન્ત આકાશે;
જિગરના આ બધા ધડકા તહીં પૂરા થઈ જાશે !

જફા ને, ને સનમ ને, ને સનમની ક્રૂરતા ને, ને
જહાંને આપતા જાશું સલામી આંસુની છેલ્લી !

૨૮-૯-૯૭

ઝેરી છૂરી

છુરી કટાઈ ગઈ તે ઉરમાં ધરીને
હૈયું નિહાલ કરનાર ગઈ વિભૂતિ;
તેને સજું જિગરની મુજ આ સરાણે,
આશા ધરી અમર કો રસ પામવાની.

તે કાટ આ હૃદયરક્ત વતી ચડેલો,
તેમાં હલાહલ ભરું સ્મૃતિનું ઉમંગે;
તેને જરી ખટક એક જ આવતામાં
તે કાલનાં ફિતૂર સર્વ વિરામ પામે.

ક્યાં ક્યાં સુધી અદબથી શિર ઝૂકવીને
દોરાઈ કાલકદમે નમતો ગયો હું;
કાઢ્યા અનેક નદ પ્હાડ અનેક ખોદી,
આવી શિરીન બસ ખંજર અર્પવાને.

મ્હારી હતી ન તકલીફ મજા વિનાની,
આરામ તો પણ હવે દિલ યાચતું આ;
કાલે કહ્યું ભટકવા, ભટક્યો બહુ હું,
મ્હારા હવે કળતરે પગ ઉપડે ના.

'આ ભૂલ' એમ સુણતાં જ અનેક ભૂલ્યો,
કિન્તુ હવે હુકમ એ ગણકારતો ના;


કલાપીનો કેકારવ/૪૫૧