પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અહીં અડતું નહીં સીધું દિલે કો એક પણ ખંજર !
મગર નીચોવતાં લોહી તડફતાં કોણ પરવાર્યું ?

અહીં સઘળા ખતમ થાતા નશા બેચેનીમાં નાખી !
મગર એવા શરાબોને ભરી પી કોણ પરવાર્યું ?

અહીં દાનાઈનું પ્યાલું રહ્યું બસ મોતને હાથે !
મગર આ ઝિન્દગાનીની મુરાદે કોણ પરવાર્યું ?

અહીંના આ ફકીરોની કદી ઝોળી નહીં થંડી !
મગર એ ખાકમાં દાઝી ફકીરી કોણ પરવાર્યું ?

અહીં ફિટકાર છે લાઝિમ બધી આ પાયમાલીને !
મગર લાનત સદા હિઝરાઈ લેતાં કોણ પરવાર્યું ?

૧૭-૧૧-૯૭

ચુમ્બનવિપ્લવ

ત્યારે હતી અલક સૌ સર તે રમન્તી,
ત્હારાં મૃણાલ વત બાલક અંગ સાથે;
તું તો હતી ઉર ભણી મુજ આ ચડન્તી,
ને એ લટો સરતી પાદસરોજ જોવા.

એ મેઘમાળ સમ વાળ કદી કદી તો
ર્‌હેતા રચી સુરસ રમ્ય કમાન દૈવી;
એ મધ્યમાં સ્મિતભર્યું મુખડું રમન્તું,
આવી જતું કુસુમડું મુજ પાસ યાચી.

દેતો ત્હને જરૂર ઇચ્છિત ને વધુ કૈં
એ કાર્ય તાત વત વત્સલનું કરન્તાં;
દેતો લલાટ પર ચુમ્બન એક મીઠું -
જાણે રહ્યો શીતલ ચન્દન અર્ચતો હું.

આહા ! લલાટ પર ચુમ્બન દેવું !
વાત્સલ્યને અધિક તૃપ્તિ કહીંય ના ના !
નિઃસ્વાર્થ પ્રેમ વધુ સ્નિગ્ધ કશું ય પામી
સંસારમાં હજુ કૃતાર્થ નથી થયેલો !


કલાપીનો કેકારવ/૪૬૨