પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ક્ષણિક શમણે લે સૌ લ્હેરો ભલે ઉપભોગની,
રસમય થવું શારીરીને બને જ બને નહીં.

ઉર ઠલવવા ખાલી ઢુંઢ્યાં સખા, લલના, અને
ઉર ઠલવવા ખાલી શોધ્યાં ઝરા, તરુઓ વને;
ઉર ઠલવવા પાળ્યાં પંખી - બધાં જ વૃથા નકી,
ઉર ઠલવવું - એ તો ક્યાંયે મળે જ મળે નહીં !

૨૭-૧૨-૯૭

નિદ્રાને

ત્‍હારા કૃપાઝરણમાં ગૃહ આ સૂતાં સૌ,
ત્‍હારી કૃપા જ ગગને શશી રેડતો આ;
જ્યાં ત્યાં રચ્યાં શયન છે પ્રભુએ ય હાવાં,
ડોલે સરો, ઉદધિ કોઈ મહાન સ્વપ્ને.

ત્‍હારી કૃપા મુજ પરે ય હતી જ એવી,
ના આ હતાં નયન સ્વપ્નથી ઓળખીતાં;
ત્‍હારૂં કર્યું નવ કર્યું સ્મરણે હજુ, ત્યાં
એ પાંખ શાન્ત મુજ ઉપર ફેલતી'તી !

ને એ મહાન વિરહી સમયો મહીં એ
તું સ્વપ્ન દેઈ વધુ કૈં મધુરી બની'તી;
તું એ મીઠાશ સહ આ ઉર જોડનારી
સ્વપ્નો લઈ અને ગઈ તું ય, રે રે !

રેતી ભરી ખરખરે મુજ નેત્ર માંહીં
એ તો કણું તું વિણ કોઈ ન કાઢનારૂં;
આ અગ્નિથી ઉર હવે મુજ ખાક થાતું;
છેલ્લેય આવીશ ન શું જલ છાંટવાને ?

જ્યારે મ્હને નયન ઊઘડતાં રુચે ના,
જ્યારે વહે જગત દાહ સમું દિસે આ,
તુંમાં જ આખર હવે મુજ આશ જ્યારે,
ત્યારે જ તું ત્યજી ગઈ તુજ યાચનારો !


કલાપીનો કેકારવ/૪૬૮