પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તું એકથી જ જગ આ કંઈ ગોઠતું'તું,
તું એકથી જ ઉર દર્દ ન ગાંઠતું'તું;
તું એકલી જ નયનો હતી લૂછનારી !
તે તું ગઈ વ્રણ સહુય સમારનારી !

ત્યારે પ્રભાત મુજને કવિતા ધરીને
કોઈ મૃદુ રુદનમાં ગવરાવતું 'તું;
એ એકલો પ્રહર મિત્ર હતો ઉરે આ,
તેને ય ત્હેં દિવસના વિષમાં મિલાવ્યો !

હાવાં શુકો, અનિલ, પુષ્પ, ઝરા, ફુવારા,
જે ગાય ગાન તુજ સોડથી નિકળીને;
ત્હારી કૃપા વગર તે સમજી શકું ના,
ત્હારી કૃપા વગર તે બસુરૂં તમામ !

જ્યારે બધા જખમીઓ જખમો વિસારી
નેત્રો મીચી મલમની પરવા કરે ના,
ત્યારે હું ઔષધ બધાં ઠલવી ય દેતાં
આ એકલો અહીં તહીં તડફ્યા કરૂં છું !

જે સૌ ગયાં પ્રણયી એક જ પાઠ આપી
તેને જ પૂર્ણ શિખવી ગઈ તું ય કે શું ?
'દાવા ન હોય જગમાં કશી એ કૃપાના.
'પ્રીતિ, દયા, ક્ષણિક એ સહુ મહેરબાની.'

૨-૧-૯૮

પ્રેમમાં ક્રૂર દોરો

જગતમાં બદલો સમજ્યા વિના
પ્રણય ના ચિરકાલ ટકી શકે !
પ્રણયમાં બદલો સમજ્યા વિના
હૃદય ક્રૂર જ ક્રૂર બની શકે !

અને આ પ્રીતિને તુજ નયન જોઇ નવ શક્યા,
જરા સ્પર્શી હૈયે નયન મુજ આ દૂર જ પળ્યાં;
ન જાણે તું કેવું મુજ જિગર આ છે સળગતું,
કદાપિ તેં માન્યું મુજ હૃદયને વજ્ર સરખું.


કલાપીનો કેકારવ/૪૬૯