પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અરેરે ! ક્યાં સુધી રુદન કરતી તું રહી શકે ?
અરેરે ! ક્યાં સુધી મુજ તરફ હૈયું ઢળી શકે ?
યુગો કૈં કષ્ટોના - મદદ તુજને ત્યાં નવ મળી !
વૃથા ત્‍હારી આંખો મુજ તરફ આશામય મળી ?

હવે ઊંચા શ્વાસો તુજ ઉર મહીં દાહ ભરતા,
હશે તેની ઝાળે શશીરવિ તહીં એ થરરતાઃ
હશે એવાં એવાં તુજ ઉર મહીં કૈં થઇ ગયાં;
હશે અંગે અંગો મદદ મુજ માગી ઢળી રહ્યાં;

હશે ઊંચે નીચે સહુ ય દિશ ત્‍હારૂં મુખ ફર્યું,
અરેરે ! કો વાક્યે મદદ કરનારૂં નવ સુણ્યું;
છૂરી ઉપાડીને તુજ કર હશે ત્યાં વિરમતો,
હજી મ્હારે માટે જીવિત ધરવા તું મથી હશે.

   કેવો મ્હને મધુર ત્યાં ઠપકો દઇને
   છૂરી હશે મરણની દૂર ફેંકતી તું !
   શ્રધ્ધા હશે અડગ ત્યાં ઉછળી રહી શી,
   એ દૂર દૂર દિસતા પ્રણયી મહીં આ !

   કેવો ત્‍હને જ મધુરો ઠપકો દઇ તું
   રોઈ હશે અરર ! એ નબળાઈ માટે !
   કેવું હશે, અરર ! એ તલફી રહેવું !
   ના જીવ જાય ! નવ જીવ રહી શકે વા !

   વીણાસ્વરે રસ મહીં મૃગલી ચડેલી,
   રે પારધીશર વતી જખમી બનેલી,
   ચાટી જતાં ય નિજ શોણિત કાળજાનું,
   ત્‍હારા સમી તૃષિત એ તલફી હશે ના !

   ત્યારે ફરી ફરી વળી ઉર બૂમ પાડી
   ધાર્યું હશે શિથિલ આશ બધી ઉપાડી;
   ઉડી ઉડી કબૂતરી કદી એક પાંખે -
   રે રે ! પ્રભુ ઉઝરડાઈ હશે પડેલી!
 
     અરે ! અરેરે ! મુજ ક્લ્પનાઓ
     એવી હતી ને જળતો હતો હું;


કલાપીનો કેકારવ/૪૭૦