પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વ્યથા સ્હેતાં હજુ ખોયું નથી કૈં સ્નેહી તાન,
છૂટે ના એ, પ્રિયે ! હૈયા તણી ખુશબો એવી !

જહીં ચૂસી જખમ ઉપભોગ લેતો મીઠો સ્નેહ,
તહીં ખાવિન્દને સ્થાયી ઉરે ગાદી દેવી !

ભ્રમર ઉડી જતાં ભોગી નિરાશે ગાઈ ગાન
અરેરે ! પંકજે શાને પછી રજને લેવી !

કહું કાંઈ કટુ, મીઠું કહેવું કીધું પૂર્ણ;
કહેવા દે મ્હને વાતો રહી જેવી તેવી !

નહીં તું કાન દે: રે ! રે ! થશે આ હૈયું ચૂર્ણ;
બહેતર છે પછી મ્હારે જુદાઈ એ સ્હેવી !

દિલોની તો જહાં વાતો સદા માગી રહેનાર,
ત્હને યાચતાં સુણવા જિગર મ્હારૂં, દેવી !

કહું જો અન્યને તો છે સુણી સુનારાં લાખ,
મગર ત્હારા વિના જાણું ન દિલ બીજું સેવી !

દિલે છે વાત કૈં ધીખી રહેલી; ઠારું આવ,
હૃદય અર્પું : જુદાઈ ત્યાં, સખી ! આવી કેવી !

૧૦-૨-૯૮

ખાનગી

કહીશ દઘળું, એમાં શંકા કશી ન કરી ઘટે :
કહીશ સઘળું, છુપું તુંથી કશું ન રહે, સખે !
કહીશ સઘળું, ક્યાં એ વિશ્વે હશે સુણનાર જો,
નવ કહી શકે એથી બીજો અભાગી અહીં કયો ?

મુજ જિગરમાં તુંને જ્યાં જ્યાં હશે ઉપયોગ, કે
મુજ જિગરમાં તુંને જ્યાં જ્યાં ઠર્યો ઉપયોગ છે,
દઈશ કહી એ તુંને, વ્હાલા ! રડી રડી સામટું,
મુજ હૃદયનું તાજું જેથી બને ફરી કામઠું.

જગત ઉપરે દર્દો ક્‌હેવા અને સુણવા સમું,
પ્રભુનયનથી પુણ્યે બીજું મળેલ નથી કશું;


કલાપીનો કેકારવ/૪૭૬