પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રિયાને પ્રાર્થના - સન્નિપાત

લવાતું આવું કૈં : ધરીશ નવ તેનું દુઃખ, પ્રિયે !
પ્રિયે ! મૃત્યુવેળા લવન કરતાં દગ્ધ સઘળાં !
પછી મૃત્યુમાં તો નથી નથી કશું કાંઈ વદવું !
નથી છેટું તેને, હુકમ કર : હું તત્પર, પ્રિયે !

કહેવાનું મીઠું હજી સુધી, પ્રિયે ! છે બની શક્યું,
નથી ખૂંચાવ્યો મ્હેં તુજ ઉર મહીં કંટક કદી;
ત્હને ખૂંચ્યાં એ તો કુસુમ સહુ મ્હારા હૃદયનાં,
પ્રિયે ! કેવું ભાગ્ય ! પ્રસૂન તુજને કંટક દિસ્યાં !

મશાલો પ્રીતિની તુજ જિગરની ત્હેં પણ રચી,
રુચ્યું તેની પાસે મુજ જિગરને નૃત્ય કરવું;
પરન્તુ સાચો તો પ્રણયભડકો જે સળગતાં,
પતંગોની પાંખો ઘસડી કરતો ભસ્મ સઘળી.

પ્રિયે ! એ વહ્નિમાં મુજ દિલ તણી પાંખ સળગી,
હવે ત્હારી પાસે નવ થઈ શકે નૃત્ય કરવું;
હવે તો ત્યાં છેલ્લે મુજ જીવનના શ્વાસ વહતા,
વસન્તોમાં જેથી મુજ જીવિતને પાનખર આ !

ઘણાંઓને લાવે પ્રણય સુખની માળ સઘળી,
વિનોદો જૂઠા એ સુખથી મુખ છો એ હસવતા;
મ્હને તો હર્ષોની સરણી દુઃખમાંથી જ મળતી,
સખી માટે રોતાં કંઈક હતી શાન્તિ હજુ સુધી.

પ્રિયે ! એ ચ્હેરાનું કવન કર શ્લાઘા કરી કરી,
જરા ગાજે ગાજે હજુ પણ, પ્રિયે ! સૌમ્ય સખીનું;
અરે ! છેલ્લાં સ્વપ્નો અઘટિત કહી ભૂંસીશ નહીં,
બધું તું માને તે તુજ સહ રહ્યું છો, કહીશ ના.

બગાડી ના દેજે મુજ હૃદયની મૂર્તિ મધુરી,
બૂરાઈ ત્હારે જો કથન કરવી તો દૂર જજે;
પ્રિયે ! ભક્તોની આ ઘટિત નવ કૈં આળ કરવી,
નથી સહેવાતું તો મુજ હૃદયને દૂર કર તું.


કલાપીનો કેકારવ/૪૮૦