પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

આવું સ્વર્ગ વળી જહીં પ્રિય વસે તે હું ન છોડું કદી,
તું સ્વર્ગે કર વાસ કે સમજજે આ દાસ ઊભો તહીં;
પ્યારી ! કાં રડ તું? અરે દુ:ખભર્યા સ્વપ્ને વિંટાઈ હતી?
પ્રેમીલા તુજ દાસને દુ:ખ દીધું તે શું વિચારી રહી?

રે ! નિદ્રા ! રજની મહીં સ્તવન હું ત્હારું કરું છું સદા,
ઇચ્છું હું પ્રિયની સખી સમજીને ત્હારી કને માગવા :-
“વ્હાલીને સમજાવ પ્રીતિ કરવા: કાંઈ દયા લાવવા :
“જેથી એ સુખમાં ઉઠી હૃદયથી ચાંપી મને લે પ્રિયા!”

૨૪-૬-’૯૪

હમારા રાહ

કટાયેલું અને બૂઠું ઘસીને તીક્ષ્ણ તેં કીધું;
કર્યું પાછું હતું તેવું, અરે દિલબર! હૃદય મ્હારૂં !

ગમીના જામ પી હરદમ ધરી, માશૂક ! તને ગરદન;
ન ખંજરથી કર્યા ટુકડા ! ન જામે ઇશ્ક પાયો વા !

પછી બસ મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;
સિતમગર ત્હોય તું મ્હારો ખરો ઉસ્તાદ છે પ્યારો!

ગુલો મેં બાગનાં તોડી દીધાં સૌ ધૂળમાં ચોળી;
બિછાનું ખારનું કીધું, ઉપર લોટી રહ્યો તે હું!

મુબારક હો ત્હમોને આ ત્હમારા ઇશ્કના રસ્તા;
હમારો રાહ ન્યારો છે, ત્હમોને જે ન ફાવ્યો તે!

ત્હમારા માર્ગમાં મજનૂં અને લૈલી શીરીં ફરહાદ -
ચીરાયેલાં કપાયેલાં પડ્યાં છે લોહીથી ભીનાં!

ગુલામો કાયદાના છો ! ભલા એ કાયદો કોનો?
ગુલામોને કહું હું શું? હમારા રાહ ન્યારા છે !

મને ઘેલો કહી, લોકો ! હજારો નામ આપો છો !
હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા !

નહીં જાહોજલાલીના, નહીં કીર્તિ, ન ઉલ્ફતના–
હમે લોભી છીએ, ના ! ના ! હમારા રાહ ન્યારા છે!

કલાપીનો કેકારવ/૯૬