પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૪૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કે શું અપકવ ફલ મેં ઉચકી લીધું છે -
જેથી ન બીજ બન્યું છાલ થકી નિરાળું ?

કે શું અનન્ત યુગની મુજ આરસી આ
જાણી શકી ન હજુ વિશ્વ તણી ગતિ કૈં ?
હું આ અહીં પવનવેગ વતી ઉડું તે
છે પાત કે પ્રિય ભણી ચડવું હશે આ !

મ્હારૂં હજુ રણ વધુ વધુ શુષ્ક થાતું,
જાણે ફરી જીવિત પત્થરમાં વહે આ !
છે વિશ્વમાં સહુય એક ભણી ગતિમાં,
તો મોક્ષ, જ્ઞાન, સહુ પત્થરમૂર્તિઓ શું !

માશૂક ધૂળ ! પછી આશક ધૂળ પહેલો !
શું પ્રેમપક્ષી બસ એક જ પાંખવાળું ?
શું ધૂળ ધૂળ મહીં ધૂળ થકી ઉડે આ ?
શું સ્વાર્પણો, પ્રણય, ધૂળ તણાં જ નામો ?

મ્હારી સખી હજુય અક્ષર ઉચ્ચરે ના !
શંકા તણી કસૂર માફ કરી શકે ના !
હાવાં ન સાદ પણ કંઠથી નીકળે આ !
એ ક્યાં હશે સમય માશૂક જ્યાં પુકારે !

ગ્રીષ્મે મયૂર ટહુક્યે નવ મેઘ આવે !
માશૂકને નહિ જ આશકનું કશું એ !
ચીરાય છે હૃદય એ સખીનું અધિકું;
કે ફાટ આ જિગરની અધિકી બને છે ?

૩-૬-૯૮

એક આશા

વ્હાલાં ! જુદાઈ તો આવે,
આંખો આંસુ મિથ્યા લાવે;
યાદી એકલડી ર્‌હેવાની
          એ એ રોવાને !


કલાપીનો કેકારવ/૪૯૩