પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


આ બન્નેની દૃઢ ક્ષણ મહીં છૂટશે ગ્રન્થિ હાય!
કેવો મીઠો સમય સુખનો ત્હોય કેવો ક્ષણિક!
જૂનાં થાતાં મધુર સુખડાં ચિત્ત શોધે નવાંને,
ને આશામાં વખત સઘળો આમ પ્રેમી ગુમાવે!

સ્થાયી ક્યાંએ સુખ નવ મળે સ્થાયી આશા ન ક્યાંએ,
રે! સંધ્યાની સુરખીવત્ સૌ સ્નેહના રંગ ભાસે:
ને આશામાં મધુર સુખ તે તૃપ્તિમાં કેમ છે ના?
રે! ત્હોયે સૌ હૃદય ધરતાં તૃપ્તિની કેમ આશા?

જે છે તે છે સુખ દુઃખ અને તૃપ્તિ આશા અહીં તો,
જે પામો તે અનુભવી સુખે સ્નેહી લેજો તમે તો;
સંયોગી ઓ સુભગ દિલડાં! તૃપ્તિનું આજ લ્હાણું;
ઊઠો ઊઠો અતિ સુખ મહીં ભાન ના ભૂલવાનું.

ધીમે અર્ધી રવિકર વતી પોયણી જેમ ખીલે,
બન્ને તેવી મૃગનયનીની આંખડી ઊઘડે છે;
એ આંખો તો પિયૂષ પિયુના અંગને લેપી દેતી,
એ આંખોમાં વશીકરણશી પ્રેમમૂર્ચ્છા વહેતી!

ને ઘેરાતાં નયન પિયુનાં ઊઘડ્યાં દીર્ઘ સ્નિગ્ધ–
અર્પી દેતાં હૃદય પ્રિયના પાદમાં જેમ હોય;
પી લેઈને શરીર પ્રિયનું નેત્રથી નેત્ર ચોટ્યાં,
મીઠા ભાવે રતિમય તહીં પૂર્ણ સત્કાર પામ્યાં.

એ દૃષ્ટિના અમીઝરણમાં ગાન દૈવી ગવાતું,
બન્ને આત્મા રસમય થતાં ઐક્યનું પાન થાતું,
એ દૃષ્ટિમાં લય થઈ ગઈ વિશ્વની સૌ ઉપાધિ.
વેળા વ્હેતી સતત ગતિએ તેમ ત્યાં સ્તંભી ઊભી.

ના ના રે રે! વખતનદ તો જાય ચાલ્યો સપાટે,
તે રોકાતો પલ પણ નહીં પ્રેમીનાં કાર્ય માટે;
બિચારાંની સફળ ઘડીઓ લેશ ના દીર્ઘ થાતી;
ઓહો! એ તો જલદી જલદી આવી કે ઊડી જાતી.

જ્યારે બન્ને રસમય દિલો સાથ સાથે દબાયાં,
ત્યારે તેના ગૃહ ઉપર કૈં વાદળાં દોડતાં’તાં;

કલાપીનો કેકારવ/૧૧૫