પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


“ચુમ્બી અશ્રુ તુજ પ્રિય સખે! ગાલથી લૂછી નાખું,
“જાવું ના ના મુજ સહ રહે, એટલું નાથ યાચું;”
બોલી એ ત્યાં નજર યમુનાતીર પાસે પડે છે,
ને ત્યાં પેલું શબ નિરખતાં નાથને એ પૂછે છે.

“જોને, વ્હાલા! મૃત શરીર કો કેમ ત્યાં છે પડેલું?!
“રે રે ! શું ના જગત પર છે કોઈએ મિત્ર તેનું?
“રોવા તેને જગ પર નથી કોઈ ના દાહ દેવા?
“વ્હાલા! તેનું સુખમય હશે મૃત્યુ કેવું થયું? હા!”

જોઈ તેને પ્રણયી વદતો શાન્ત ગંભીર વાણી:–
“હું આવ્યો છું ઉતરી યમુના રાત્રિયે હોડી માની;
“વ્હાલી! તે એ શબ જરૂર છે, મિત્ર તેનો બનું હું,
“ચાલો તેને નદીતટ જઈ અગ્નિનો દાહ દેશું.”

આભારે કે પ્રણય‌ ઊભરે શીષ નીચું નમાવે,
ને પ્યારાના હૃદય સહ તે સુન્દરી ગાલ ચાંપે;
ત્યાં તો “વ્હાલા! સરપ લટકે ગોખની બારીએ છે,”
બોલી એવું કૂદી પડી નીચે સુન્દરી ગાભરી એ.

જોઈ તેને પ્રિયતમ કહે ઉરથી ઉર ચાંપી:
“આવ્યો હું તો ઉપર ચડી એ સાપને દોરી માની:”
સુણી આવું ચકિત થઈને મૂક વિચારતી કૈં,
ચિન્તાવાળાં સજલ નયને સ્વામીને જોઈ રહેતી.

ત્યાં હોલાયે છત ઉપરથી ઝૂલતો એક દીવો,
હાંડીમાંથી સરકી નીકળ્યો ધૂમ્રનો શ્યામ ગોટો;
તે જોઈને દૃઢ થઈ જરા ઉચ્ચરે આમ શ્યામા:–
“મ્હારા વ્હાલા! સુર! હૃદયથી દાસ તું ઈશનો થા!

“ફાની છે આ જગત સઘળું અંત આ જીવવાને,
“જે છે તે ના ટકી કદી રહે સર્વદા કાલ ક્યાંયે;
“શોધી લેને પ્રિય પ્રિય સખે! સર્વદા જે રહેશે,
“આશા તૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દેને!

“હું ત્હારી ને મુજ પણ સખે! પ્રેમી આ દિલ ત્હારૂં
“તે જાણીને હૃદય મમ તો આ જ ચીરાઈ જાતું;

કલાપીનો કેકારવ/૧૧૭