પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

“ત્હારૂં તે ના તુજ રહી શકે તૂટશે સર્વ મ્હારૂં,
“માટે છોડી “તુજ” “મુજ” હવે દાસ થા ઈશનો તું.

“આ દીવો જો તુજ ગૃહ બધું તેજથી પૂરી દેતો,
“દીપ્તિહીણો તિમિરમય છે ધૂમ્ર તો અન્ત તેનો;
“ભોળા ત્હારા હૃદય સહ આ પ્રેમનું જે શરીર,
“તેનો વાયુ વતી ઊડી જતી આખરે અન્ત ખાક.

“શું છે હુંમાં? સુખરૂપ તને દેહ આ ના થવાની,
“વ્હાલા! તેને મરણ પછી તો કાષ્ટમાં બાળવાની;
“ટેકો જ્યારે તુજ હૃદયનો કોઈ ક્યાં એ ન રહેશે,
“રોતાં ત્યારે જીવિત સઘળું પૂર્ણ તે કેમ થાશે!

“તૈયારી તું પ્રિયતમ કરી મૃત્યુની લે અગાડી,
“ને મ્હારો તું કર ગ્રહી મને સાથ લેને ઉપાડી;
“તોડી ભીંતો તિમિરગઢની દિવ્યસ્થાને ઊડી જા,
“ને તે માટે સુર! હૃદયથી, દાસ તું ઈશનો થા!

“તેં શીખાવ્યો રસ ઉર ભરી પ્રેમ સંસારનો જો,
“દોરી જા તું મુજ ઉર હવે દૂર સંસારથી તો;
“શું શીખાવું? શિખવ મુજને પ્રેમ વૈરાગ્યમાં તું,
“જાગી ચેતી ઊઠ ઊઠ હવે ઊંઘ ના સર્વદા તું!”

ઊંડું ઊંડું હૃદય ઊતરી સાંભળી આ રહ્યું’તું,
ને પ્રેમીના મગજ ઉપરે ઉષ્ણ લોહી ફરન્તું;
નિદ્રામાંથી દિવસ ઊગતાં ઊઠતો જેમ હોય,
રાતું તેનું મુખ ત્યમ દિસે શાન્ત ગંભીર ભવ્ય!

દૃષ્ટિ ફેંકી પ્રિયમુખ ભણી પ્રેમ ઔદાર્યભીની,
બોલ્યો વાણી ગદગદ થઈ મેઘની ગર્જના શી:-
“રે કલ્યાણી! સખિ! ગુરુ! પ્રિયે! પ્રેમની દિવ્યજ્યોતિ!
“ત્હારે પન્થે વિહરીશ હવે જાળ જંજાળ તોડી!

“સંસારીને શિખવીશ હવે સ્નેહ, વૈરાગ્ય, ભક્તિ,
“ને અન્તે હું મરીશ સુખમાં ઇશનું નામ બોલી;
“ચાલો ચાલો નદીતટ પરે ઝૂંપડી બાંધશું, ને
“વ્હાલા મ્હારા પરમ પ્રભુના ગીત ગાશું જ પ્રેમે!

કલાપીનો કેકારવ/૧૧૮